(સંવાદદાતા દ્વારા) આણંદ તા.૨૧
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના મેઘવા ગામમાં પાંચ વર્ષના બાળકનું એકતરફી પ્રેમમાં નિષ્ફળ ગયેલા વિકૃત્ત યુવાને અપહરણ કરીને નહેરમાં ફેંકીને હત્યા કરી દેવાના ઘટનાના ૨૪ કલાક બાદ પણ હજી સુધી હત્યારો પોલીસથી પકડથી બહાર છે. ઉમરેઠ તાલુકાના મેઘવા ગામમાં રહેતી પરિણીતા સાથે અનૈતિક સંબંધ બાંધવાનો દબાણ કરી રહેલા જશ ઉર્ફે જશવંત બળવંતભાઈ ચાવડાને પરિણીતાએ સ્પષ્ટ ઈન્કાર કરી દઈને ઠપકો આપ્યો હતો અને પોતાના પતિને પણ આ બાબતે જાણ કરી હતી. આથી માનસિક રીતે ઘવાયેલા જશવંતે પરિણીતાના પુત્ર યુવરાજ (ઉ.વ.૫)ને રમાડવાના બહાને સાઈકલ પર બેસાડી બહાર લઈ ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ ગમનપુરા નહેરમાં ફેંકી દઈ તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકે આ બાબતે ૧૧ જેટલી ટીમો તપાસ લગાવી દીધી છે જેમાં ભાલેજ પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન, ઉમરેઠ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, સીપીઆઈ, નાયબ પોલીસ અધિક્ષક, વાસદ, ખંભોળ જ સહિત ૧૧ ટીમોને કામે લગાડી છે તેમ છતા ઘટનાના ૨૪ કલાક બાદ પણ આરોપીનો પત્તો લાગ્યો નથી અને આરોપીના હજાર જેટલા પોસ્ટર જાહેર કરી કોઈને પણ તેની માહિતી મળે તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘે જણાવ્યું હતું કે, અપહ્યુત બાળકની લાશ મળ્યા બાદ આરોપીને પકડવાની કામગીરી સઘન બનાવી દેવામાં આવી આવી છે. તેના પોસ્ટરો બનાવીને પણ વિતરણ કરવામાં આવ્યા છે તથા જાહેર સ્થળોએ લગાવવામાં આવ્યા છે. જે કોઈપણ વ્યક્તિ આ બાબતે માહિતી આપશે તેનું નામ ગુપ્ત રખાશે અને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે.