(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
કેન્સરની જીવલેણ બીમારીથી પીડાતા ૧૦ વર્ષીય માસૂમ બાળકની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઇચ્છા આજે પૂરી થઇ હતી. પોલીસ દ્વારા એક સામાજિક સંસ્થાની ભલામણને પગલે આ બાળકને એક દિવસ માટે જે.પી. રોડ પોલીસ મથકનો ઇન્સ્પેક્ટર બનાવવામાં આવ્યો હતો. પોતાની ઇચ્છા પૂર્ણ થતા આ બાળકના ચહેરા પર ખુશી અને તેજ જોઇ તમામે પોલીસ અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
દરેક બાળકનું પોતાના ભવિષ્યને લઇને કંઇક બનવાનું સ્વપ્ન હોય છે. ત્યારે જ શહેરમાં રહેતા અને કેન્સરની જીવલેણ બીમારી પીડાતા એક બાળકની ઇચ્છા પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની હતી. આ વાતની જાણ શહેરની સામાજિક સંસ્થાને થતા તેમણે પોલીસનો સંપર્ક સાધી બાળકની ઇચ્છા અંગે જણાવ્યું હતું. પોલીસે તાત્કાલીક આ અંગે નિર્ણય લઇ આ બાળકની ઇચ્છા આજે પૂર્ણ કરી હતી. જેના પગલે આજે આ બાળકે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં એક દિવસના ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે તેના આદેશનું પાલન કરવા તત્પર થયા હતા. પોલીસ ઇન્સ્પેકટરની વર્દી પહેરી પી.આઇ.ની ખુરશી પર બેસતા જ આ માસૂમ બાળકના ચહેરા પર અનેરી ચમક આવી ગઇ હતી અને પોતાની ઇચ્છા પૂર્ણ કરવા બદલ તેણે તમામ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો.
પી.આઇ.નો ચાર્જ સંભાળતાની સાથે જ આ બાળકે જે.પી. રોડ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કામગીરી સમજાવવામાં આવી હતી. નવા બાળ પી.આઇ.એ. રોલ કોલ બોલાવી પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને આખો પોલીસ સ્ટેશન ફરી પોલીસ કામગીરી અંગે માહિતી મેળવી હતી. પી.આઇ. બનેલા બાળકે પોલીસની ગાડીમાં બેસી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કર્યું હતું. બાળ ઇન્સ્પેક્ટરને નિહાળીને રાહદારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.