(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં છ વર્ષના બાળકને હોમિયોપેથીક દવા પીવડાવ્યા બાદ દવાના રીએકશનના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. બાળકના મૃતદેહને ન્યાય ન મળે ત્યાં સુધી નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ દ્વારા હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિદાન કરવા માટે અનેક લોકો આવ્યા હતા. કેમ્પ દરમિયાન એક છ વર્ષનું બાળક પણ કેમ્પમાં નિદાન માટે આવ્યું હતું. જ્યાં હાજર તબીબ દ્વારા હોમિયોપેથીક દવા પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ છ વર્ષના બાળકને દવાનું રિએક્શન આવ્યું હતું. જેથી તેની તબિયત લથડી હતી. તબિયત લથડતા બાળકને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો. હોમિયોપેથિક દવા પીવાથી બાળકનું મોત થયું હોવાનું પરિવારનો આક્ષેપ છે.આ સાથે જ્યાં સુધી ન્યાય નહિં મળે ત્યાં સુધી બાળકની ડેડબોડી નહીં સ્વિકારવામાં આવે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છેકે, કેમ્પનું આયોજન ૧૯મી તારીખે કરવામાં આવ્યું હતુંં.