અમદાવાદ,તા. ૨૯
સિવિલ હોસ્પિટલમાં સેપ્ટીસિનિયા ઇન્ફેકશનના કારણે એક જ દિવસમાં નવથી વધુ નવજાત બાળકોના મોત નીપજવાના પ્રકરણમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોથી માંડી ખુદ રાજયનું આરોગ્ય તંત્ર આ ઘટનાને લઇ દોડતુ થઇ ગયું છે. બીજીબાજુ, વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ ઘટનાને લઇ લોકસહાનુભૂતિ અને જનમાનસમાં પોતાની હકારાત્મક છાપ ઉભી કરવાના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ ખાતે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા અને તોડફોડ મચાવવામાં આવી હતી. જેને પગલે પોલીસે સંખ્યાબંધ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. તો બીજીબાજુ, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને કસૂરવાર સત્તાધીશોના રાજીનામા માંગ્યા હતા. આ સમગ્ર પ્રકરણને લઇ રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે સંખ્યાબંધ બાળકોના મોતની ઘટનાને પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો અને સુપ્રીમકોર્ટ સહિત ખુદ દેશના આરોગ્ય મંત્રાલયને માર્ગદર્શિકા જારી કરવી પડી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બની હતી કે જયાં છેલ્લા ત્રણ દિવસમાં સેપ્ટીસિનિયા ઇન્ફેકશનના કારણે એક જ દિવસમાં ૨૦ જેટલા નવજાત બાળકોના મોત નીપજયા હતા. આ ઘટનાને પગલે શહેર સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. એકબાજુ, સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ અને આરોગ્ય વિભાગના સત્તાધીશો તરફથી સમગ્ર ઘટનામાં એવો બચાવ રજૂ કરાયો હતો કે ખરેખર આ બાળકો ઓછા વજન અને ઇન્ફેકશનગ્રસ્ત હાલતમાં જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અમે તેઓને પૂરતી અને સઘન સારવાર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પહેલેથી જ તેમની હાલત ગંભીર હોવાથી બચાવી શકાયા ન હતા. દરમ્યાન આ ઘટનાને લઇ વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતનું રાજકારણ પણ જોરદાર રીતે ગરમાયું છે. કોંગ્રેસના સેંકડો કાર્યકરો આજે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સુપ્રિટેન્ડન્ટની ઓફિસ ખાતે જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા.
એટલું જ નહી, કોંગ્રેસના કાર્યકરોએ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં બળજબરીપૂર્વક ધસી જઇ ભારે તોડફોડ મચાવી હતી, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને સંખ્યાબંધ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી, તો કેટલાયને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસનો હલ્લાબોલ શાંત પડયો ન હતો ત્યાં તો, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ પટેલની આગેવાની સંખ્યાબંધ કાર્યકર્તાઓ અને આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવાર કે જવાબદાર હોય તે તમામના રાજીનામાની માંગણી કરી હતી.