(એજન્સી) કોટા,તા.૨
ડિસેમ્બરના છેલ્લા બે દિવસમાં જેકે લોન હોસ્પિટલમાં વધુ ૯ બાળકોનાં મોત થયાં છે. આ સાથે જ, ડિસેમ્બરમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા ૧૦૩ પર પહોંચી ગઈ છે. ૨૧થી ૩૧ ડિસેમ્બર દરમિયાન જેકે લોન હોસ્પિટલમાં ૪૨ બાળકોનાં મોત થયાં હતાં. વર્ષ ૨૦૧૯ની વાત કરીએ તો આ આંકડો ૯૬૩ થઈ ગયો છે. જોકે, તેમ છતાં છેલ્લા ૬ વર્ષમાં તે સૌથી ઓછો છે. જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા બે દિવસમાં ૧૦ બાળકોમા મોત થતાં મામલો દેશભરમાં ગરમાયો હતો. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની તપાસ કમિટિઓ ઘટનાની તપાસ કરી રહી છે. આ કમિટિઓએ બાળકોના મૃત્યુને સ્વાભાવિક નથી ગણાવ્યા. જોકે ડોક્ટર્સની બેદરકારી હોવાની વાત પણ નકારી કાઢી છે. ડિસેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો, ૨૦૧૯ના છેલ્લા મહિનામાં જેકે લોન હોસ્પિટલમાં ૧૦૦ બાળકોના મોત થયા હતા. ૨૧થી ૩૧ ડિસેમ્બર વચ્ચે ૪૨ બાળકોના મોત થયા હતા. ૨૦૧૯ના વર્ષ દરમિયાન આ આંકડો ૯૬૩ નોંધાયો હતો. તેમ છતાં ગત છ વર્ષમાં આ આંકડો સૌથી ઓછો રહ્યો હતો. વર્ષ ૨૦૧૯માં મહિના પ્રમાણે જોઈએ તો. જાન્યુઆરીમાં ૭૨, ફેબ્રુઆરીમાં ૬૧, માર્ચમાં ૬૩, એપ્રિલમાં ૭૭, મે મહિનામાં ૮૦, જૂનમાં ૬૫, જુલાઈમાં ૭૬, ઓગસ્ટમાં ૮૭, સપ્ટેમ્બરમાં ૯૦, ઓક્ટોબરમાં ૯૧, નવેમ્બરમાં ૧૦૧ અને ડિસેમ્બરમાં ૧૦૦ નવજાત બાળકોના મોત થયા હતા. સીએમ અશોક ગહેલોતે પોતાના અધિકારીક ટ્‌વીટર અકાઉન્ટથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે.કે.હોસ્પિટલ, કોટામાં થયેલા બીમાર બાળકોના મૃત્યુ મામલે સંવેદનશીલ છે. આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. કોટાની આ હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર સતત ઓછો થઈ રહ્યો છે. અમે આગળ જતા આને હજી ઓછો કરવાનો પ્રયત્ન કરીશું. ગહેલોતે પોતાના એક ટ્‌વીટમાં કહ્યું કે, માં અને બાળક સ્વસ્થ રહે એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજસ્થાનમાં સૌથી પહેલા બાળકો માટેના આઇસીયુની સ્થાપના અમારી સરકારે ૨૦૦૩ માં કરી હતી. કોટામાં પણ બાળકોના આઇસીયુની સ્થાપના અમે ૨૦૧૧ માં કરી હતી. સ્વાસ્થ્ય સેવાઓમાં વધારે સુધારો કરવા માટે ભારત સરકારે વિશેષજ્ઞ દળનું પણ સ્વાગત છે. અમે તેમની સાથે વિચાર-વિમર્શ કરીને તેમના સહયોગથી રાજ્યમાં ચિકત્સા સેવાઓમાં સુધાર માટે તૈયાર છીએ. નિરોગી રાજસ્થાન અમારી પ્રાથમિકતા છે. મીડિયા કોઈપણ દબાણમાં આવ્યા વગર તથ્ય લોકો સમક્ષ રજૂ કરે.

યોગી, માયાવતીએ કોટામાં બાળકોના મોત અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂપકીદી સામે સવાલ ઊઠાવ્યો

રાજસ્થાનના કોટામાં બાળકોના મોતનો મુદ્દો રાજકીય ક્ષેત્રે ગરમ બન્યો છે. બસપા પ્રમુખ માયાવતી અને ભાજપે આ મુદ્દે કોંગ્રેસ શાસિત રાજયની ટીકા કરી છે. કેન્દ્રએ ચિંતા વ્યકત કરી છે. આ મુદ્દો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સુધી પહોંચ્યો છે. છેલ્લા બે દિવસમાં ૯ બાળકોના કોટાની લોન હોસ્પિટલમાં મોત થયા હતા. આ મોત બેદરકારીથી થયા છે કે નહીં તેની સામે સવાલો થયા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પ્રમુખ સામે અસંવેદનશીલતાનો આરોપ મુકયો છે. યોગીએ કહ્યું કે ૧૦૦ બાળકોના મોતથી દીલ ધ્રૂજી ઉઠયું છે. માતાઓને બાળકો ગુમાવવાનું દર્દ છે. પરંતુ સોનિયા કે પ્રિયંકા ગાંધી મહિલા હોવા છતાં તે દર્દને સમજતા નથી. બસપા પ્રમુખ માયાવતીએ સોનિયા ગાંધી અને અશોક ગેહલોતની ટીકા કરી કહ્યું છે કે તેઓ આ મુદ્દે અસંવેદનશીલ અને બિનજવાબદાર રહ્યા. જે સખ્ત વખોડયા લાયક છે. પ્રિયંકા ગાંધી પણ ચૂપ છે. તેઓ કોંગ્રેસના મહામંત્રી છે. આ મુદ્દે રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ અવિનાશ પાંડે સોનિયા ગાંધીને મળ્યા હતા. જે બેઠકમાં ઘણા મુદ્દાઓની ચર્ચા થઈ. સોનિયા ગાંધી કોટાની ઘટનાથી ઘણા ચિંતિત છે. અશોક ગેહલોતે તેમનો રિપોર્ટ મોકલ્યા છે. રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં ૧૦૦ બાળકોના મોત અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે અગાઉની ભાજપની સરકાર સમયે બનેલી ઘટના બાદ ઘણા સુધારા કરાયા છે. આ મુદ્દે રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પાંડેએ સોનિયા ગાંધીને વાકેફ કર્યા હતા. તેઓ ઘટનાથી હતાશ થયા હતા.

રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં એક મહિનામા જ સૌથી વધુ બાળકોના મોત : ૧૦ મુદ્દા

૧. રાજય સરકારે તેના રિપોર્ટમાં સ્વીકાર્યું કે હોસ્પિટલમાં નવા જન્મનાર બાળકો માટેના ઈન્કયુલેટર સારી સ્થિતિમાં ન હતા.
ર. સેક્રેટરી મેડિકલ એજયુકેશન અને વરિષ્ઠ ડોકટરોની ટીમે ર૭ ડિસેમ્બરે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું તે સમયે જોવા મળ્યું કે નબળા જન્મેલા બાળકો તીવ્ર ઠંડીનો ભોગ બન્યા.
૩. ઈન્સેન્ટીવ કેરમાં દાખલ કરેલ અને મોતને ભેટેલા બાળકો હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર સ્થિતિમાં લવાયા હતા.
૪. રાજય સરકારે કહ્યું કે કોટાની હોસ્પિટલમાં ર૦૧પમાં ૧ર૬૦ અને ર૦૧૬માં ૧૧૯૩ બાળકોના મોત થયા હતા. જે આ વર્ષ ઘટીને ૯૬૩ થયા છે. તે સમયે ભાજપનું શાસન હતું.
પ. હોસ્પિટલમાં તપાસ માટે ગયેલી ટીમે કેટલીક ક્ષતિઓ જોઈ તેમાં બાળકોને રાખવાના ઈન્કયુલેટરની તંગી હતી જેથી બાળકોના મોત થયા.
૬. રાજસ્થાનના સ્વાસ્થમંત્રી રઘુ શર્માએ કહ્યું કે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં બાળકોને લવાયા હતા. અને શકય તમામ સારવાર કરી ભાજપ તપાસ કરી શકે છે.
૭. બાળકો માત્ર એક જ મુદ્દાથી મોતને ભટયા નથી. તીવ્ર ઠંડી પણ તે માટે જવાબદાર છે.
૮. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર કોટા કરૂણાંતિકા માટે યોગી અને માયાવતીના નિશાન પર છે.
૯. કેન્દ્રીય સ્વાસ્થમંત્રી હર્ષવર્ધને કહ્યું કે અમે જોધપુર એમ્સથી વિશેષજ્ઞોની ડોકટરોની ટીમ મોકલી મદદ કરીશું.
૧૦. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રીય સ્વાસ્થમંત્રી હર્ષવર્ધનને ફોન કરી કોટા હોસ્પિટલની મુલાકાત લેવા કહ્યું છે. જેથી તેઓ જોઈ શકે કે હોસ્પિટલ કેવી શ્રેષ્ઠ સગવડો ધરાવે છે.

સોનિયા ગાંધીએ કોટાની હોસ્પિટલમાં ૧૦૩ બાળકોના મૃત્યુ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી પાસેથી સ્પષ્ટતા માંગી

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોત પર રાજકારણ શરૂ થયા બાદ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ અશોક ગહેલોત સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે સાથે આ મુદ્દે મુલાકાત કરી છે. તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ગેહલોત પાસેથી સ્પષ્ટતા પણ માંગી હતી.

કોટા : બાળકોનાં મોત અંગે રાજસ્થાન સરકારે હોસ્પિટલને
ક્લિનચીટ આપી જ્યાં ૧૦૦થી વધુ બાળકોનાં મોત થયાં,
હોસ્પિટલમાં ક્ષમતા કરતાં ૧પ૦% વધુ દર્દીઓ હતા

રાજસ્થાનમાં કોટા શહેરમાં આવેલ જે.કે.લોન હોસ્પિટલમાં બાળકોના મોટાપાયે મોત બાદ રાજસ્થાન સરકારે નિમેલી તપાસ સમિતિએ ડૉક્ટરોને ક્લિનચીટ આપી છે પરંતુ હોસ્પિટલની કામગીરીમાં સુધારો કરવા તેમજ વધુ પથારીઓ (બેડ)ની તાકીદે સુવિધા વધારવા સૂચવ્યું છે. કોટા હોસ્પિટલમાં બાળકોના મોટાપાયે મોત બાદ ચકચાર મચી જતાં રાજસ્થાન સરકારે તપાસ સમિતિ બનાવી હતી. ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિએ હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ બાળકોના મોત અંગે ડૉક્ટરોની કોઈ ક્ષતિ નહીં હોવાનું જણાવી હોસ્પિટલમાં સુવિધાઓ અને સગવડો વધારવા સૂચન કર્યું હતું. એક માસમાં ૯૧ જેટલા બાળકો મોતને ભેટયા હતા. જેની વિપક્ષોએ અને બાળ અધિકાર સંઘે સખ્ત ટીકા કરી તપાસની માગણી કરી હતી. સરકારે ત્રણ સભ્યોની ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ રચાઈ હતી. હોસ્પિટલમાં ગંદકી તેમજ આસપાસ ભૂંડ ફરતાં નજરે પડયા હતા. એનસીપીસીઆરએ શો કેસ નોટિસ પાઠવી હતી. કમિટીએ કહ્યું કે, બાળકો જે મોતને ભેટયા તેમને યોગ્ય સારવાર અપાઈ હતી. કમિટીએ મેડિકલ રેકોર્ડ ચેક કર્યો હતો. ૧૦ બાળકો સમય પહેલાં જન્મ લેતાં મોતને ભેટયા હતા.