ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગતા બ્લાસ્ટ થયા હતા. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી ઉગત વિસ્તારની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ જઈ રહી હતી. ૨૬ વિદ્યાર્થીઓ સાથેની બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી. એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં સિમેન્ટ ભરેલા ટ્રકે એક્સિડન્ટ સર્જ્યો હતો. જેથી બસ આગળ જઈ શકે તેમ ન હોવાથી ડ્રાઈવર કન્ડક્ટરે સમયસૂચકતા દાખવીને બસમાંથી તમામ બાળકોને નીચે ઉતારી સલામત રીતે ખસેડ્યા હતા. બાદમાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં બસ સળગી ઉઠી હતી.
ઉગત રોડની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવર આનંદ પટેલએ જણાવ્યું હતું કે, રોજની જેમ તેઓ ઓલપાડથી-જહાંગીરપુરા રૂટની બસમાં સ્કૂલના ધોરણ ૧થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને લઈને આવી રહ્યા હતા. માસમા નજીક રોડ પર ડિવાઈડરની પેલી બાજુ એક ટ્રકના કેબિનમાં આગ લાગી હતી જે દેખાતું હતું. અમે અમારી સાઈડમાં સલામત રીતે બસ રીતે બસ ચલાવ્યે જતા હતા. આ દરમિયાન જ કંઈ સમજાય તે અગાઉ જ એક સિમેન્ટ ભરેલો ટ્રક અમારી નજીક પહોંચી ગયો હતો. રોંગ સાઈડમાં આવતો એ સિમેન્ટ ભરેલા ટ્રકથી બચવા મેં શક્ય તેટલી બ્રેક મારી પણ તેમ છતાં બસ અને સિમેન્ટ ભરેલ આઈસર ટ્રક સામ સામે અથડાઈ ગયા હતા. સ્કૂલ બસના ડ્રાઈવર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. સ્કૂલ બસ સાથે એક્સિડન્ટ કરીને આઈસર ટેમ્પોનો ડ્રાઈવર નાસી ગયો હતો અને ડિવાઈડરની સામે બાજુ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ પ્રસરી રહી હતી તેના ડ્રાઈવર કલિનર પણ નાસી ગયા હતાં. અમારી સ્કૂલ બસ એક્સિડન્ટના કારણે આગળ પાછળ જઈ શકે તેમ નહોતી. અમે બધા સલામત હતા પરંતુ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ પ્રસરતી હતી તે જોખમી દેખાઈ રહી હતી. આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે પણ ટ્રકના ડ્રાઈવરની જેમ નાસી શકીએ તેમ હતાં પરંતુ પછી બસમાં રહેલા અમારા બાળકોનું શું એ વિચાર આવતાં જ ભાગી છૂટવાની જગ્યાએ તમામને સલામત રીતે નીચે ઉતારીને સલામત સ્થળે ખસેડવાનું નક્કી કર્યું. એક પછી એક તમામ વિદ્યાર્થીઓને બસમાંથી કન્ડક્ટર રમેશ પટેલની મદદથી નીચે ઉતાર્યા હતા. બાદમાં તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા. સ્કૂલ બસના કન્ડક્ટર રમેશ પટેલએ જણાવ્યું હતું કે, અમે સમયસૂચકતા દાખવીને તમામ ૨૬ વિદ્યાર્થીઓને નીચે ઉતારી દૂર ગયા એ દરમિયાન જ સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થવાની શરૂઆત થઈ હતી અને સિલન્ડર બ્લાસ્ટની સાથે જ બસમાં પણ આગ લાગી ગઈ હતી. રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર કૌશિક સોનાણીએ જણાવ્યું હતું કે, આનંદભાઈ પટેલ અને રમેશભાઈ પટેલની સમયસૂચકતા અને બહાદૂરીના કારણે મોટી દુર્ઘટના ટળી છે. બંનેએ ભારે હિંમતપૂર્વક ૨૬ જેટલા બાળકોના જીવ પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ્યા છે માટે અમે સ્કૂલ પરિવાર વતી તેમનું સન્માન કરીશું.