(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૭
શહેરના ઉધના વિસ્તારની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામની મદદથી મિત્રતા કેળવી, એક યુવાને આ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, તેણીના ફોટા સાથે ચેડા કરી, તેણીનું શારીરિક શોષણ કર્યા બાદ, આ યુવાને પોતાના અન્ય ચાર મિત્રોને પણ આ કિશોરી ઉપર બળાત્કાર ગુજારવાની વ્યવસ્થા કરી આપી હતી.
ઉધના પોલીસ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે અમન નામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. બાદમાં યુવકે તેણીના યેનકેન રીતે ફોટા મેળવી લીધા હતા.આ તમામ ફોટા બિભત્સ રીતે તૈયાર કરીને તેણેે આ કિશોરીને આ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ આ યુવકે આ વિદ્યાર્થિનીને પોતાના સ્થળ પર બોલાવી તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા તેણે પોતાના મિત્ર અજય, સાહિલ સહિત ચાર જણાને પણ આ યુવતી પર બળાત્કાર ગુજારવાની વ્યવસ્થા કરી આપી હતી. એક સાથે પાંચ યુવાનો દ્વારા વારંવાર આ માસુમ વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવતા યુવતી આખરે પડી ભાંગી હતી. તેમજ તેણે પોતાના પરિવારજનોને આ અંગે વાત કરતા ગઇ કાલે રાત્રે પરિવારના સભ્યો ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અમન સહિતના આ પાંચેય યુવાનો વિરુદ્વ પોલીસને માહિતગાર કર્યા હતા.કિશોરીની આપવિતી સાંભળી હચમચી ગયેલી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જોકે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાત મચી જવા પામ્યો છે.પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટેની સધન કાર્યવાહી હાથ ધરી છે.