(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧પ
રાજ્યમાં બળાત્કાર સહિત વિવિધ પ્રકારની જાતિય હિંસા તથા અન્ય ગુનાઓમાં ભોગ બનનાર મહિલાઓ જ નહીં બલ્કે તમામ અસરગ્રસ્તોને સહાય માટેની વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતરમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માત્ર મહિલાઓને જ વળતર અપાતું હતું ત્યારે તેમાં સુધારો કરી તમામનો સમાવેશ કરવા સાથે સરકારે ઓછામાં ઓછું રૂા. પાંચ લાખ અને વધુમાં વધુ રૂા.૧૦ લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ યોજનાનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટે નિયત કરેલ પૂરેપૂરી રકમ ચૂકવવાનું સરકારે ઠરાવ્યું છે. રાજ્ય સરકારે વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૮નો નવતર અભિગમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હત્યા અને સામૂહિક બળાત્કાર જેવા કિસ્સામાં અગાઉ રૂ. ૫૦ હજારથી રૂ. ૩ લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતુ હતુ. તેને બદલે હવે ઓછામાં ઓછું રૂા.પાંચ લાખ અને વધુમાં વધુ રૂા.૧૦ લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.
રાજય સરકાર દ્વારા અમલમાં આવનારી આ નવી વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૮થી હવે લીંગભેદ વગર તમામ અસરગ્રસ્તોને મૃત્યુના કિસ્સામાં, ગેંગ રેપનો ભોગ બનનારના કિસ્સામાં, એસિડ એટેકના કિસ્સામાં તેમજ શરીરના કોઇ અંગ કે ભાગ ગુમાવવાને કારણે કાયમી અશક્તતાના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવશે. ઉપરાંત ર્ઁષ્ઠર્જ છષ્ઠં હેઠળના વીક્ટીમ સહિત સગીર બાળકોના કિસ્સામાં આ યોજના હેઠળ રકમના ૫૦ % વધુ રકમ વળતર તરીકે ચુકવવાનો નિર્ણય પણ કરાયો છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ કે, વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ ૨૦૧૬ હેઠળ અગાઉ મૃત્યુના કેસમાં રૂા .૧.૫૦ લાખ, ૮૦ ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૧ લાખ, ૪૦ થી ૮૦ ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.૫૦ હજાર, બળાત્કારના કિસ્સામાં રૂા.૧ લાખ, મહિલા-બાળકોને માનસિક હેરાનગતિના કિસ્સામાં રૂા.૨૫ હજાર, એસિડ એટેકમાં રૂા.૩ લાખ, પુનઃસ્થાપન માટે રૂા. ૫૦ હજાર તથા સૃષ્ટિ વિરુદ્ધના કાર્યમાં રૂા.૨૫ હજારનું વળતર ચૂકવવામાં આવતું હતું ત્યારે હવે વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૮ની નવી યોજના હેઠળ શારિરીક હિંસામાં ભોગ બનનારને મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂા.૫ લાખ તથા વધુમાં વધુ રૂા.૧૦ લાખનું વળતર, તે જ રીતે ૮૦ ટકાથી વધુ કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.૨ લાખ થી રૂા.૫ લાખ, ૪૦ ટકાથી ૮૦ ટકા સુધીની કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૨ લાખ થી ૪ લાખ, ૨૦ ટકાથી ૪૦ ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા.૧લાખ થી ૩ લાખ અને ૨૦ ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા. ૧ લાખથી રૂા.ર લાખનું તેમજ શારીરિક કે માનસિક ઇજાગ્રસ્ત લોકોના પુનઃસ્થાપન માટે રૂા. ૧લાખથી રૂા.૨લાખનું વળતર ચૂકવાશે. બળાત્કારના કિસ્સામાં ભોગ બનનારને રૂા.૪ થી રૂા.૭ લાખ, સામૂહિક બળાત્કારના કિસ્સામાં રૂા.પ લાખથી રૂા.૧૦ લાખ, સુષ્ટિ વિરુદ્ધના કૃત્યના કિસ્સામાં રૂા. ૪ લાખથી રૂા. ૭ લાખનું વળતર, બળાત્કારના કારણે ભૃણ હત્યા થાય, અથવા તો ગર્ભાધાનની ક્ષમતા ગુમાવે એવા કિસ્સામાં રૂા. ર લાખથી રૂા. ૩લાખ, બળાત્કારને કારણે ગર્ભવતી બનવાના કિસ્સામાં રૂા.૩ લાખથી રૂા.૪ લાખનું વળતર ચૂકવાશે. જ્યારે હુમલાની પીડિત વ્યક્તિના દાઝી જવાના કિસ્સામાં કદરૂપતા કે ખોડખાંપણ આવે ત્યારે રૂા.૭ લાખથી રૂા.૮ લાખ, ૫૦ ટકાથી વધુ દાઝી જવાના કિસ્સામાં રૂા. પ લાખથી રૂા.૮ લાખ ૫૦ ટકાથી ઓછી ઇજામાં રૂા.૩ લાખ થી રૂા.૭ લાખ અને ૨૦ ટકાથી ઓછી દાઝી જવાના કિસ્સામાં ઓછામાં ઓછી રૂા.૨ લાખ અને વધુમાં વધુ રૂા.૩ લાખનું વળતર અપાશે.
આ સાથે દરેક વિકટીમને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ રૂ. ૩ લાખ સુધીની મર્યાદામાં વિના મૂલ્યે તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.