ચંદીગઢ, તા. ૩૧
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ બાબા રામરહીમને ૨૫મી ઓગસ્ટે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. જ્યારે તેને હાજર થવા માટે કોર્ટમાં લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેના કાફલામાં ત્રણ ધારાસભ્યો પણ સામેલ હતા. એવું કહેવામાં આવે છે કે, તેના કાફલામાં રહેલા ધારાસભ્યોમાં બે હરિયાણાના એક પંજાબના ધારાસભ્ય હતા. ત્રણેય રામ રહીમના કોર્ટમાં જતા કાફલામાં સામેલ થઇ ગયા હતા. અહેવાલ અનુસાર બાબા જ્યારે પોતાના કાફલા સાથે ડેરામાંથી રવાના થયો ત્યારે એક ધારાસભ્ય તેની સાથે ગાડીમાં જ સવાર થઇ ગયો હતો. ત્યારબાદ પંજાબના એક ધારાસભ્ય સિરસાથી જ રામરહીમના કાફલા સાથે જોડાઇ ગયા હતા. આ કાફલો જ્યારે કેથલ પહોંચ્યો ત્યારે ત્યાં પહેલાથી જ હાજર રહેલા હરિયાણાના ધારાસભ્ય પણ તેની સાથે જોડાયા હતા. કાફલો પંચકુલા પહોંચ્યો ત્યારે પોલીસે બધી ગાડીઓની તલાશી લેતા કાફલામાં ત્રણ ધારાસભ્યો હોવાની જાણ થઇ હતી. આ અંગેની માહિતી પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપ્યા બાદ નેતાઓને ભીડમાં સામેલ કરી અલગ કરી દેવાયા હતા. જોકે, પોલીસ અધિકારીઓએ ધારાસભ્યોના નામ જાહેર કર્યા નહોતા.