(એજન્સી) રોહતક, તા. ૨૮
હરિયાણામાં બે સાધ્વીઓ પર ૧૯૯૧ અને ૨૦૦૧માં બળાત્કારના આરોપમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામરહીમને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી છે.રામરહીમને બે વિવિધ કેસમાં ૧૦-૧૦ વર્ષની સજા સંભળાવાઈ છે. જેમાં તેને અલગ અલગ સજા ભોગવવી પડશે. પંચકુલાની ખાસ કોર્ટના જજ જગદીપસિંહ સોમવારે સવારે સરકારી હેલિકોપ્ટરમાં રોહતક જેલમાં પહોંચી ગયા હતા અને જેલમાં જ ઊભી કરાયેલી કોર્ટમાં રામરહીમને સજા વાંચી સંભળાવી હતી. સજા સાંભળતા જ ૫૦ વર્ષના ડેરા સચ્ચા સૌદા પ્રમુખ જમીન પર ફસડાઇ પડ્યો હતો. સજાની સુનાવણી દરમિયાન હજારો સૈનિકોએ રોહતક જેલને ઘેરી હતી. ડેરાના મુખ્યમથકમાંથી બહાર જવાનો ઇન્કાર કરનારા આશરે ૩૦,૦૦૦ જેટલા સમર્થકો માટે સલામતી કડક બનાવાઇ હતી. શુક્રવારે રામરહીમને દોષિત જાહેર કરાયા બાદ તેના સમર્થકોએ ધમાલ કરી મૂકી હતી જેમાં ૩૮ લોકોના મોત થયા હતા જ્યારે ૨૫૦થી વધુ ઘાયલ થયા હતા.
મહત્ત્વના ૧૦ મુદ્દા
૧. ૧૫ વર્ષ પહેલાં રામરહીમ પર બળાત્કારનો આરોપ લગાવનારી બે મહિલાઓના વકીલોએ ડેરા પ્રમુખ માટે આજીવન કેદની માગ કરી હતી અને તપાસકારો હજુ સતામણીના ઘણા કેસોની તપાસ કરી રહ્યા છે. સીબીઆઇ ડેરા પ્રમુખ માટે કોર્ટ સમક્ષ લાંબી જેલની સજાની માગ કરી હતી અને તેમની વિરૂદ્ધ વધુ આરોપો ઘડવા માગ કરી હતી.
૨. સજા સાંભળતા જ ભાંગી પડેલા ડેરા પ્રમુખે કહ્યું હતું કે, ‘મુજે માફ કર દો’. તેના વકીલોએ લોકો માટે કલ્યાણકારી કામો કરવા બદલ હળવી સજાની માગ કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઉચ્ચ કોર્ટમાં અપીલ કરશે.
૩. ડેરા પ્રમુખને મેડિકલ પરિક્ષણ બાદ કેદીના કપડાં પહેરાવી બેરેક નંબર ૧૯૯૭માં મોકલી દેવાયો હતો. શુક્રવારથી જ્યારે બાબાને રોહતક જેલમાં લઇ જવા માટે વૈભવી હેલિકોપ્ટરમાં લઇ જવાયો હતો અને જેલમાં ખાસ સેલ, મિનરલ વોટરની સુવિધા તથા અન્ય ખાસ સુવિધા આપવા માટે ટીકા થઇ રહી હતી.
૪. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ચંદીગઢમાં તેમના નિવાસે મંત્રીઓ, વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી અને શાંતિની અપીલ કરી હતી.
૫. શુક્રવારની જેવી ઘટનાઓ ન બને તે માટે જજ જગદીપસિંહે રોહતક જેલમાં જ સજાની સુુનાવણી કરી હતી જ્યારે શુક્રવારે પંચકુલા કોર્ટની બહાર ડેરાના દસ હજારથી વધુ ટેકેદારોએ કારોને આગ લગાવી હતી અને સલામતી દળો સાથે અથડામણો કરી હતી. આ હિંસા અન્ય વિસ્તારોમાં પણ ફેલાઇ હતી.
૬. પોલીસે ઘટનાઓ રોકવા ટીયરગેસ અને પાણીના મારા ચલાવ્યા હતા પરંતુ તેની કોઇ ખાસ અસર પડી નહોતી. તેથી સ્પષ્ટ થાય છે કે, રામરહીમના ટેકેદારોની હિંસાને સેનાએ ગંભીરતાથી લીધી નહોતી.
૭. સોમવારે રોહતક જેલની આસપાસ હજારો અર્ધલશ્કરી દળો અને તોફાન વિરોધી પોલીસે તમામ માર્ગો બંધ કરાવી દીધા હતા. સેનાને પણ સ્ટેન્ડબાય રખાઇ હતી.
૮. ડેરા સચ્ચા સૌદાના વરિષ્ઠ સભ્યોને અગમચેતીના પગલે અટકાયતમાં રખાયા હતા. હરિયાણામાં ૧૦૦થી વધુ ડેરાના આશ્રમો સીલ કરી દેવાયા હતા. આશ્રમોમાંથી પેટ્રોલના ડબ્બા અને લાકડીઓ મળી આવી હતી.
૯. સિરસામાં આવેલા રામરહીમના ૧૦૦૦ એકરમાં આવેલા મુખ્ય આશ્રમમાં રહેલા ૩૦,૦૦૦થી વધુ ટેકેદારોને પોલીસે કેમ્પસમાં કોર્ડન કર્યા હતા. ટેકેદારોએ રામરહીમને નિર્દોષ ગણાવ્યો હતો. અમારા પિતાએ કાંઇ ખોટું કર્યું નથી તેમ સિરસાના મુખ્ય સંચાલક ત્રિલોક ઇન્સાને જણાવ્યું હતું.
૧૦. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જ દેશમાં કોઇપણ રીતે હિંસા સાંખી લેવામાં નહીં આવે, પરંતુ હરિયાણામાં તેમના પક્ષ ભાજપ હિંસા માટે તથા ડેરા પ્રમુખને જેલમાં લઇ જવા માટે વૈભવી હેલિકોપ્ટરના ઉપયોગ બદલ ભારે ટીકા થઇ હતી.

 

‘મુઝે માફ કર દો’, રડી રહેલા બાબાને
કોર્ટ સમક્ષ ઢસડી લાવવાની ફરજ પડી
રોહતક, તા. ૨૮
રોહતકના સુનારિયા જેલમાં કામચલાઉ કોર્ટ ઊભી કરવામાં આવ્યા બાદ દોષિત જાહેર કરવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમ મામલે સજાને લઇને દલીલોની શરૂઆત થઇ હતી. દલીલબાજી ચાલી રહી હતી ત્યારે કોર્ટની અંદર બાબા રામરહીમ સ્પષ્ટપણે રડતા નજરે પડ્યા હતા. બચાવપક્ષ તરફથી આ ગાળા દરમિયાન માફીની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટ ઉપર આની કોઇ અસર થઇ ન હતી. સમાજસેવી હોવાને લઇને દલીલબાજી પણ કરવામાં આવી હતી. વિવાદાસ્પદ બાબા અનેક પ્રકારના વિવાદોમાં રહ્યા છે. કોર્ટની કાર્યવાહી પૂરી કરવામાં આવી ત્યારે પણ બાબા હતાશ દેખાયા હતા. કોર્ટમાં જમીન ઉપર બેસીને બાબા રડી પડ્યા હતા. હવે જેલમાં લઇ જવાની પ્રક્રિયા પૂરી કરી લેવાઈ હતી. તમામ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જ્યાં સામાન્ય કેદીની જેમ તેમની સાથે વર્તન કરવામાં આવશે.

 

ડેર પ્રમુખ રામરહીમ સિંઘ હવે કેદી નંબર-૧૯૯૭
બળાત્કાર કેસના આરોપી ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામ-રહીમસિંઘને સીબીઆઈ કોર્ટે સજા સંભળાવી હતી. સજાનું એલાન થયા બાદ જ રામ-રહીમ જમીન પર ફસડાઈ પડ્યો હતો અને કોર્ટમાં ડૂસકા ભરતા અને હાથ જોડતા માફીની માંગ કરી હતી. જ્યારે સીબીઆઈ કોર્ટે કાર્યવાહી પૂરી કરતા રામ-રહીમને જેલના બે જોડી કપડાં આપી બાબાનું નવું નામકરણ કર્યું હતું જેમાં તેનું નામ કેદી નંબર ૧૯૯૭ રાખવામાં આવ્યું હતું કલમ ૩૭૬, પ૧૧, પ૦૬ અંતર્ગત બાબતે સજા કરવામાં આવી હતી.