(એજન્સી) નવી દિલ્હી, તા, ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વચન આપ્યું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જવાનોના બલિદાનો વ્યર્થ જશે નહીં. સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને વખોડતા વડાપ્રધાન મોદીએ એવું ટિ્‌વટ કર્યું કે સમગ્ર દેશ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોના પરિવારોની સાથે ખભાથી ખભા મિલાવીને ઉભો છે. વડાપ્રધાને આ હુમલામાં ઘવાયેલા જવાનો વહેલા સાજા થાય એવી પ્રાર્થના પણ કરી હતી. પીએમ મોદીએ આ મામલામાં સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ અને ગૃહપ્રધાન રાજનાથસિંહ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ત્રાસવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સક્રિય થઇ ગઇ છે. રાજનાથસિંહ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જાય તેવી સંભાવના છે. ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામાના ત્રાસવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે.