(એજન્સી) તા.૨૯
જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા અગ્રણી મુસ્લિમ સંગઠનોએ બુધવારે કહ્યું હતું કે, “બંધારણીય ઉદ્દેશોની અવગણના કરી સુખ-શાંતિ સ્થાયી ન શકાય. આ સંગઠનોએ ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈની પણ વફાદારીને બળજબરીપૂર્વક ખરીદી શકાતી નથી. જમિયત ઉલ્મા-એ-હિંદની દિલ્હી ખાતેની ઓફિસમાં યોજાયેલી આ બેઠકોમાં જમાત-એ-ઈસ્લામી હિંદ, જમિયત એહલે હદિસ હિંદ, ઓલ ઈન્ડિયા જકાત ફાઉન્ડેશન, જમાતે એહલે સુન્નત કર્ણાટક, ઓલ ઈન્ડિયા મુસ્લિમ મઝલિસ મશાવરત તેમજ ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડ સહિત અનેક મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફર-ઉલ-ઈસ્લામે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક પછી બહાર પાડવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આપણે કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારોનું સમર્થન કરવું જોઈએ અને ત્યાં શાંતિ-વ્યવસ્થાની સ્થાપના અને જનજીવન સામાન્ય કરવા મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવું જોઈએ. આ નિવેદનમાં કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી કે, કાશ્મીરમાંથી કફર્યુ દૂર કરવામાં આવે, સંદેશા વ્યવહાર પરથી પ્રતિબંધ હટાવવામાં આવે, સ્વાસ્થ્ય સેવાઓ ફરી કાર્યરત કરવામાં આવે અને શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવામાં આવે. આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય રીતે ધારા ૩૭૦ લાગુ કરવામાં આવી હતી અને તેને બંધારણીય રીતે જ દૂર કરી શકાય છે. હાલમાં જે રીતે તેને દૂર કરવામાં આવી છે તેની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, તેમજ તેનો વિરોધ પણ થયો છે. આ બાબત હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. આપણે સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ મૂકી તેના નિર્ણય મુજબ કાર્યવાહી કરવી જોઈએ. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “દેશની એકતા અને અખંડિતતા દેશના દરેક નાગરિકનું પ્રાથમિક કર્તવ્ય છે. કોઈપણ સંજોગોમાં તેની સાથે સમજૂતિ ન કરી શકાય, પરંતુ સમાનતા અને ન્યાય જેવા બંધારણીય મૂલ્યોની અવગણના કરી આપણે દેશમાં સુખ-શાંતિ સ્થાપિત કરી શકતા નથી. આ પણ યાદ રાખવું જોઈએ કે, બળજબરીપૂર્વક કોઈની પણ વફાદારી ખરીદી શકાતી નથી. આ નિવેદનમાં મુસ્લિમ યુવાનોને અપીલ કરવામાં આવી હતી કે, વિરોધી શક્તિઓ, દુશ્મનો અને ગેરજવાબદાર મીડિયા દ્વારા કરવામાં આવતા દુષ્પ્રચારથી દોહરાઈને સોશિયલ મીડિયામાં પાયાવિહોણા સમાચારો અને અફવાઓ ફેલાવવાથી દૂર રહો.