(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
પોલીસનું નામ સાંભળતાની સાથે જ લોકોના હાથ પગ ધ્રુજવા લાગે છે. પરંતુ આજ પોલીસ સામાન્ય વ્યક્તિ સામે ધબકતું એક હૃદય પણ ધરાવે છે. જેમાં પ્રેમ, માનવતાના ધબકારા પણ ચાલતા હોય છે અને તે જ્યારે માનવતાની મિશાલનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે ત્યારે આજ પોલીસ માટે છાતી ગજગજ ફૂલી જવાનો અહેસાસ આપ મેળે આવી જાય છે. વાત કરીએ વલસાડ શહેર પોલીસની આર્થિક કારણોસર પોતાની એક અઠવાડિયાની બીમાર માસુમ દીકરીને સિવિલ હોસ્પિટલ ખાતે તરછોડી ચાલ્યા જતા માતા-પિતાને માત્ર ૩૬ કલાકમાં મધ્યપ્રદેશના રતલામથી શોધી કાઉન્સેલિંગ કરી બાળકીને માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. પોલીસના આ સફલ ઉમદા કાર્યમાં બાળકીની ચિંતા સાથે પોતાની તમામ તાકાત હોમી દેનાર ડી.વાય.એસ.પી. સુનિલ જોષી, ડી.વાય.એસ.પી. એમ.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.જે.ભટ્ટ અને પી.એસ.આઇ. જે.વી.ચાવડા તેમજ પોલીસ કર્મી ક્રિપાલ સિંહ, શૈલેષકુમાર, રાજકુમાર, કિરીટસિંહ આ માતા-પિતાના મીલનના મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એ તો ઠીક સર્વે પોલીસ કર્મીઓ, અધિકારીઓ, હોસ્પિટલની નર્સ બહેનો દ્વારા પોતાની સગી બાળકીની રીતે પૂર્ણ સારવાર અને સારસંભાળ રાખવામાં આવી અને અંતે થોડા જ સમયમાં પોલીસ સાથે હૃદયના તાંતણે બંધાઇ ગયેલ લાગણીસભર આ માસુમે પોલીસ સ્ટેશનથી રમકડાં, રંગબેરંગી કપડા, જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ આર્થિક મદદ દ્વારા તેના માતા-પિતા સાથે રીત રિવાજ મુજબ જિયાણુ કરી પોતાના ઘરે રતલામ જવા માટે વિદાય આપવામાં આવી હતી. લોકો પોલીસને કઠોર જ સમજતા હોય છે પરંતુ એક અઠવાડિયાની આ માસુમ માટે જે વલસાડ પોલીસ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે ખરેખર ગુજરાત પોલીસ માટે ગર્વની મિશાલ સાબિત કરે છે.