(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
શહેરના આંબલી-બોપલ રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીનું નરાધમ આરોપી દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરાયુ હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. જેને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોઇ અજાણ્યા શખ્સ બાળકીને લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં તેની પર દુષ્કર્મ આચરી વહેલી સવારે તેના ઘર નજીક છોડી ફરાર થઇ ગયો હતો. સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી તેમજ હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વધી રહેલી દુષ્કર્મની ગંભીર ઘટનાઓને લઇ હવે લોકોમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આંબલી-બોપલ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક આવેલા ખુલ્લી જગ્યામાં એક મજૂર પરીવાર છાપરા બાંધીને રહે છે. ત્રણ દિવસ પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. જેને પગલે તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, આ દરમ્યાન બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ સરખેજ પોલીસે બાળકીની તપાસ કરતા તેની સાથે કંઈક અણછાજતી ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે બાળકીની મેડિકલ તપાસ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર મામલાની તપાસ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ખાસ કરીને સ્થાનિક લોકો અને શહેરીજનોમાં આ ઘૃણાસ્પદ કૃત્યને લઇ નરાધમ આરોપી પરત્વે ફિટકારની લાગણી વરસી હતી. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દુષ્કર્મની ગંભીર ઘટનાઓ જે રીતે વધી રહી છે, તેને લઇ હવે પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.