(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
બળાત્કાર કેસમાં દોષિત ગુરમીત રામરહીમને ર૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે જેનાથી આસારામ કેસના પીડિતોને પણ ઝડપથી ન્યાય મળશે તેવી આશા બંધાઈ છે. સગીરા પર બળાત્કારના કેસમાં આરોપી આસારામ પર ધીમી ગતિએ થઈ રહેલ કાર્યવાહી પર સુપ્રીમકોર્ટે પણ નારાજગી વ્યકત કરી હતી અને નોંધવામાં આવે છે કે આસારામ બાપુ જેલમાં બંધ છે. તેમ છતાં તેમના મામલા સાથે જોડાયેલા અમુક સાક્ષીઓની હત્યા થઈ ચૂકી છે અને અનેક પર હુમલા થઈ ચૂકયા છે. પરંતુ રામરહીમને સજા મળતાં જ ન્યાયની આશા વ્યકત કરતાં પીડિતાના પિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, અમે ૪ વર્ષથી આસારામને સજા મળે તેની રાહ જોઈ રહ્યા છીએ. રામરહીમ પર આવેલા ચુકાદાથી અમને આશા બંધાઈ છે કે અમને પણ ન્યાય મળશે. તેમણે જણાવ્યું કે, અમે તો ર૦ વર્ષની સજાને પણ ઓછી ગણીએ છીએ. આ નરાધમોએ બાળકોઓનું જીવન બરબાદ કરી દીધું છે. તેમને ફાંસીની સજા મળવી જોઈએ. તેથી અન્યને બોધ મળે. પીડિતાના પિતાએ આરોપ પણ મૂકયો હતો કે આ કેસને જાણીજોઈને લંબાવવામાં આવી રહ્યો છે કારણ કે જો સજા મળી તો જેલમાં ખાવા-પીવા સંબંધિત મળી રહેલ સુવિધાઓ પણ બંધ થઈ જશે. આસારામના વકીલ હંમેશા અપીલ કરીને તારીખ પર તારીખ લઈ રહ્યા છે પરંતુ તેમને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે.