(એજન્સી) લખનઉ, તા.૩૦
સોમવારે યોજાયેલી ચાર લોકસભા અને નવ વિધાનસભા પેટાચૂંટણીઓમાં ઇવીએમ ખોટકાતાં ચૂંટણી પંચ માટે ફરી એકવાર મુશ્કેલી ઉભી થઇ છે. ઉત્તરપ્રદેશના પશ્ચિમમા આવેલી કૈરાનાથી લઇ મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની એકમાત્ર લોકસભા બેઠકની ચૂંટણીમા હાર અને જીત મોદી સરકારના ચાર વર્ષના લેખાં જોખાં નક્કી કરશે જેમાં ખાસ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાને લેવાશે. જોકે, પરિણામો પહેલા જ ઇવીએમ અને વીવીપેટમાં ખામી સર્જાવાના અસંખ્ય બનાવોને પગલે ફરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગથી પેટાચૂંટણીઓ ફરી વિવાદમાં ઘેરાઇ છે. જ્યારે રાજકીય વર્તુળોમાં ઇવીએમના સંભવિત દુરૂપયોગ અંગે ગરબડવાળા ઇવીએમથી ચોક્કસ વિસ્તારમાં મતદારોના અધિકારોને ફગાવી કોઇ એક પક્ષને ફાયદો પહોંચાડવાના ઇરાદા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, સિક્રેટ બેલેટની પ્રક્રિયામાં એક, બે કે ત્રણ નંબરના રાજકીય પક્ષને સંચાલનમાં ચોક્કસ વિસ્તારનું લેબલ ચોપડવું યોગ્ય ન હોય. પરંતુ અહીં કૈરાના લોકસભા બેઠક પર અગ્નિપરીક્ષાની વાત કરવામાં આવે જ્યાં સંયુક્ત વિપક્ષ જેમાં સમાજવાદી પાર્ટી, આરએલડી, કોંગ્રેસ જેવા પક્ષો સામેલ છે અને તેઓએ આરોપ લગાવ્યો છે કે, જાટ, દલિત અને મુસ્લિમોના મતાધિકારને નકારવા માટે ગરબડવાળા ઇવીએમનો ઉપયોગ કરાયો છે જેનાથી ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. ટિ્‌વટની હારમાળામાં અખિલેશ યાદવે લોકતંત્ર જોખમમાં હોવાનું જણાવ્યું છે. આ એક હકીકત છે કે, અગાઉની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઇવીએમ મશીનો કામ કરતા નહોતા. ફક્ત કૈરાનામાં ૧૫૦થી વધુ ઇવીએમ મશીનો કામ કરતા નહોતા. ચૂંટણી પંચના અધિકારીઓ પાસે આવી અસંખ્ય ફરિયાદો આવી હતી. જેનાથી તેણે ઉતાવળમાં એવી દલીલ કરી દીધી કે ગરમીને કારણે ઇવીએમ કામ કરતા નહોતા જે વાત ઘણા લોકોના ગળે ઉતરી નહોતી. અખિલેશ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગરમી તો આખા કૈરાનામાં હતી તો કેટલાક વિસ્તારોમાં જ કેમ ગરમીનો પારો ઊંચે ગયો હતો. આ જ પ્રકારના આરોપો સપાના રામગોપાલ યાદવ, આરએલડીના અજીતસિંહ અને કોંગ્રેસના આરપીએન સિંહ જેવા કેટલાક મોટા પ્રતિનિધિ મંડળોએ પણ કરી હતી. મહારાષ્ટ્રમાંથી એનસીપીના પ્રફુલ પટેલે ઇવીએમની ફરિયાદો કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, સુરતના ખોટકાયેલા મશીનો શા માટે પાલઘર અને ગોંદિયામાં મુકાયા હતા. તેમણે કહ્યું કે, આ ચોક્કસ મતદારોના મતાધિકારને છીનવાનો સ્પષ્ટ પ્રયાસ છે અને તે માટે ચૂંટણી પંચે ફરીવાર જુની બેલેટ પેપર સિસ્ટમથી મતદાન કરાવું જોઇએ. સીપીએમે પણ આરોપ લગાવ્યો છે કે, ખોટકાયેલી ઇવીએમ મશીનોને કારણે ભાજપને ફાયદો થઇ શકે છે. કૈરાનામાં તો મતદારો મતદાન ન કરી શકે તે માટે પોલીસને પણ કામે લગાડાઇ હતી. જોકે, ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. અમારી પાર્ટી કૈરાનામાં મોટા માર્જિનથી જીતશે.