પાટણ, તા.૨૦
પાટણ જિલ્લા પંચાયતના બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના આઠ સભ્યોએ બળવો કરી ભાજપના ૧૧ સભ્યોના ટેકાથી કોંગ્રેસ પાસેથી ૧૩ વિરૂદ્ધ ૧૯ મતે શાસન આંચકી લીધું હતું. આઠ સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરી અલગ ચોકો બનાવતા રોષે ભરાયેલા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં જ ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થઈ જઈ બળવાખોર સભ્યોને ખુટલ, ગદ્દાર, ભ્રષ્ટાચારી અને રૂા.૨૫-રપ લાખમાં વેચાયા હોવાના આક્ષેપો કરી બીભત્સ શબ્દોનો મારો ચલાવતા ભારે હોબાળા સાથે ઉત્તેજના ફેલાઈ હતી. ઉશ્કેરાયેલા કોંગ્રેસના સભ્યોને પોલીસે કોર્ડન કરી લઈ ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવી હતી. મતદાનના અંતે કોંગ્રેસના બળવાખોર વિનુભાઈ પ્રજાપતિ પ્રમુખપદે અને જોઈતીબેન ઠાકોર ઉપપ્રમુખ પદે વિજેતા ઘોષિત થતાં ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવતા ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જિલ્લા પંચાયતમાં કુલ ૩૨ સદસ્યો પૈકી કોંગ્રેસના ર૧ અને ભાજપના ૧૧ સદસ્યો હાજર રહ્યા હતા. જો કે, ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત હસ્તગત કરવા માટે તોડજોડની રણનીતિ અપનાવી કોંગ્રેસના આઠ સભ્યોને પોતાની તરફેણમાં કરી લેતા લગભગ ચૂંટણી ચિત્ર પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું. આજે સવારે ૧૧ કલાકે જિ.પં.ના સ્વર્ણીમ હોલ ખાતે ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૮ બાગી સભ્યો મળી ૧૯ સભ્યોનું જૂથ આવી પહોંચતા કોંગ્રેસના અન્ય સભ્યોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ચૂંટણી અધિકારી આનંદ પટેલે પ્રક્રિયા હાથ ધરતા કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરનાર બાબુજી અમથાજી ઠાકોર અને ઉપપ્રમુખ જતનબેન દેસાઈને ૧૩ સભ્યોનું સમર્થન મળ્યું હતું જ્યારે કોંગ્રેસમાંથી બળવો કરી પ્રમુખપદ માટે ઉમેદવારી કરનાર વિનુભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર જોઈતીબેન ઠાકોરને કોંગ્રેસના બળવાખોર ૮ સભ્યો તથા ભાજપના ૧૧ સભ્યો મળી કુલ ૧૯ સભ્યોએ બંનેની તરફેણમાં મતદાન કરતા ૧૩ વિરૂદ્ધ ૧૯ મતે કોંગ્રેસના બળવાખોર પ્રમુખ-ઉપપ્રમુખને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
બળવાખોર સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ
પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઈને સભ્ય બનેલા આઠ સભ્યોએ આજે બીજી ટર્મની અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં બળવો કરી ભાજપના સમર્થનથી કોંગ્રેસનું શાસન ઉથલાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ પક્ષ સામે બળવો કરનાર અમીન વર્ષાબેન જીતેન્દ્રભાઈ, ઠાકોર જોઈતીબેન લક્ષ્મણજી, પ્રજાપતિ વિનુભાઈ રત્નાભાઈ, પરમાર દિપ્તીબેન અનીલભાઈ, દેસાઈ બાબુભાઈ મોતીભાઈ, મોતીબેન મણીલાલ સોલંકી, કાનજીભાઈ જીવાભાઈ દેસાઈ અને કાલુબેન દશરથજી રાજપૂતને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.