(એજન્સી) બનારસ,તા.૫
મહિલા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીને સમલૈંગિકતા અને ગેરશિસ્તતાના કારણે હોસ્ટેલ છોડી જવા કહેવામાં આવ્યું છે. જો કે વિદ્યાર્થિનીને કોલેજમાંથી બરતરફ કરવામાં આવી નથી. સંસ્થાની શિસ્ત સમિતિના એક સભ્યએ જણાવ્યું કે અન્ય વિદ્યાર્થિનીઓએ આ વિદ્યાર્થિની વિરુદ્ધ સતામણી કરવાની ફરિયાદ કરી હતી. પરંતુ શિસ્ત સમિતિના એક સભ્યએ દાવો કર્યો કે બીએનો અભ્યાસ કરતી યુવતીને સમલૈંગિક જેવી હરકતો કરવાના કારણે હાંકી કાઢવામાં આવી છે જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને પાંચ હોસ્ટેલોના મુખ્ય વ્યવસ્થાપક નીલમ આરતીએ જણાવ્યું કે ૧૬ યુવતીઓએ તેની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી. યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે આ યુવતી તેમને ડરાવે-ધમકાવે છે. આરોપ છે કે યુવતી એમ કહેતી હતી કે જો તેની વાત માનવામાં નહીં આવે તો તે આત્મહત્યા કરી લેશે ત્યારબાદ યુવતીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને તેની સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી. આ અંગે આરતીએ કહ્યું કે એવા લોકો આવી વાતો કરી રહ્યાં છે જે યુનિવર્સિટીનું નામ ખરાબ કરવા માંગે છે. હોસ્ટેલની એક યુવતીએ જણાવ્યું કે જે યુવતી પર આરોપ લાગ્યા છે તે એક આંખે જોઇ શકતી નથી પરંતુ કોલેજ પ્રશાસને તેની તરફ વધુ ધ્યાન આપવાના બદલે કોઇપણ પ્રકારની તપાસ વગર તેને બરતરફ કરી દીધી.