પાલનપુર, તા.૪
એશિયાની નંબર વન બનાસ ડેરીના ચેરમેન પદે ફરી શંકર ચૌધરી બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. અઢી વર્ષ પૂર્ણ થતાં આજે ફરી વિશ્વાસ મત માટે બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.સરહદી બનાસકાંઠા જિલ્લામાં વર્ષે ૮૦૦૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરીના ચેરમેન તરીકે ફરી શંકર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે. બનાસ ડેરીની ચૂંટણીને અઢી વર્ષ પૂર્ણ થતાં આજે વિશ્વાસ મત માટે ડેરીના કોન્ફરન્સ હોલમાં ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરી જ્યારે વાઈસ ચેરમેન તરીકે માવજી દેસાઈનું નામ મૂકવામાં આવ્યું હતું. તમામ ડિરેક્ટરોએ આ બંને નામો પર સર્વાનુમતે મંજૂરી આપી હતી. જેને પગલે શંકર ચૌધરી અને માવજી દેસાઈની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હોવાનું ચૂંટણી અધિકારી સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું.