પાટણ, તા.ર૪
નવીન બનેલ રાધનપુર પાટણ નેશનલ હાઈવે પર આવેલ કામલપુર દાદર વચ્ચે બનાસ નદી પર બનાવવામાં આવેલ પુર નદીમાં આવેલ પૂરના પાણીના કારણે રોડથી અલગ થઈ જવા પામ્યો હતો. પુલ તૂટી જતા છેલ્લા એકાદ માસથી આ રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે.
જિલ્લાના સેન્ટર જવા માટે રાધનપુર વાયા કામલપુર પાટણનો નવીન માર્ગ બનાવવાનું કામ પાચેક વરસ પહેલાં શરૂ થયું હતું. નવીન રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ ર૦૧૧-૧રમાં શરૂ કરવામાં આવ્યું હતું. રોડનું કામ શરૂ થયું ત્યારથી જ કામની ગુણવત્તા બાબતે વિવાો ઊભા થયા હતા અને નાનાપુરા અને શ્રીનાથ ગામના લોકો દ્વારા રોડનું કામ બરાબર ના થતું હોવા બાબતે માર્ગ અને મકાન વિભાગની રાધનપુર ખાતેની કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તંત્રએ લોકોની ફરિયાદ બાબતે આંખ આડા કાન કરી રોડનું કામ પૂર્ણ કરી દીધું હતું. જ્યારે કામલપુર દાદર ગામની વચ્ચે આવેલ બનાસ નદી પરનો પુલ લગભગ બાર કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. બનાસ નદી પરના પુલનું કામ લગભગ ર૦૧પમાં પૂર્ણ થયેલ અને રોડ પર વાહન વ્યવહાર શરૂ થયો હતો. જ્યારે રાધનપુર પાટણનો નવીન રોડ દર ચોમાસા દરમ્યાન ખાડા પડવાની અને ધોવાઈ જવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી હતી.
રાધનપુર પાટણ રોડને લગભગ ર૦૧પ-૧૬માં નેશનલ હાઈવે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે એ કરોડોનો ખર્ચ કરીને ફરીથી આ રોડને પહોળો કરીને પેચિંગ તેમજ પેવર કામ કરી રોડનું મજબૂતીકરણ કરવાનું કામ કરાવવામાં આવ્યું હતું. આ રોડનું કામ નેશનલ હાઈવે દ્વારા કરાવ્યોને એક વરસ પણ થયું નથી ત્યાં પુરમાં આખો રોડ ધોવાઈ જવા પામ્યો છે. જ્યારે બાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ કામલપુર નજીક બનાસ નદી પરનો પુર રોડથી અલગ થઈ જતાં પુલ હવામાં ઝુલતો હોય તેવું આજે જણાઈ રહ્યું છે. પુલ તૂટી જવાને કારણે આ રોડ છેલ્લા એક માસથી વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. વરસો જૂના બનાસ નદી પર બનેલા પુલો કેટલીય વખત પૂર આવ્યા છતાં પણ અડીખમ ઊભા છે. ત્યારે માત્ર બે વરસ અગાઉ બાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવીન પુલ તૂટી જતા કામની ગુણવત્તા પર લોકો સવાલ ઊઠાવી રહ્યા છે.