(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતને લીધે જાન, માલ અને ઢોરઢાંખરને લીધે ભારે નુકસાન પહોંચ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૦ મંત્રીઓ અને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ નિરીક્ષણ કર્યું હતું અને આજરોજ ગાંધીનગર આવી બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે રૂા.૧પ૦૦ કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં કૃષિ અને જમીન સુધારણા માટે રૂા.૧૩૧૧ કરોડ, વીજળી માટે ૭પ કરોડ, પશુ સહાય અને પશુપાલન માટે રૂા.ર૦ કરોડ વેપાર-વ્યવસાય ઉદ્યોગો માટે રૂા.૧પ કરોડ અને મહેસૂલ વિભાગ હસ્તકની યોજનાઓ માટે રૂા.૭૯ કરોડનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેતીવાડી અને કૃષિનું નુકસાન થયું છે. તેમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા રાજ્ય સરકારે ૩૦૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે.
પાક નુકસાન સહાય
પાક નુકસાનમાં બિનપિયત વિસ્તારના નુકસાન માટે રૂા.૬૮૦૦ની સહાય વધારીને રૂા.૧૦ હજાર કરવામાં આવી છે.
• પિયત વિસ્તારમાં પાક નુકસાન માટે પ્રવર્તમાન ધોરણે મળતી ૧૩,પ૦૦ની સહાયના સ્થાને હવે રૂા.ર૦ હજાર મળશે.
• બહુ વર્ષાયું બાગાયતી પાક માટે રૂા.૧૮,૦૦૦ની પાક નુકસાન સહાયના સ્થાને હવે રૂા.૩૦ હજારની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
• આ સહાય અનુસાર જમીન ધોવાણનું નાનું નુકસાન થયાના કિસ્સામાં ર૦૧પમાં રાજ્ય સરકારે પૂર આપત્તિ વેળાએ રૂા.૧ર,૮૦૦ની સહાય આપી હતી. તેમાં માતબર વધારો કરીને રપ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.
• જ્યાં મોટાપાયે જમીન ધોવાણ થયું છે તેવા કિસ્સામાં ર૦૧પની પૂરની સ્થિતિ બાદ રૂા.૬૦ હજારની સહાય આપવાના ધોરણે નિર્ધારીત કર્યા હતા. આ વર્ષે ર૦૧૭માં ભયાનક પૂર અને ભારે વરસાદની સ્થિતિમાં જમીન ધોવાણ માટેની સહાય વધારીને રૂા.૮૦ હજાર કરી છે. નદીના વહેણ બદલાવાથી જે ખેડૂતોની જમીન ધોવાણ થયું છે તેમને પણ નુકસાની સહાયની યોજના પ્રથમવાર મુખ્યમંત્રીએ જાહેર કરી છે. ખેડૂતો અસરગ્રસ્તોને તેમને મળનારી નુકસાન સહાયની રકમ સીધી જ તેમના બેન્ક ખાતામાં જમા થાય તેવી પારદર્શી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે.
આ નુકસાનીના સર્વે માટે ૧૩૦ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે ૧૦ દિવસમાં પૂર્ણ કરશે આ માટે જીઓટેગીંગ સાથે ચોકસાઈપૂર્વકનો સર્વે હાથ ધરાયો છે.
ખાતર માટે સહાય : અસરગ્રસ્ત વિસ્તારની દરેક સેવા સહકારી મંડળી પોતાના ખેડૂત સભાસદોની ખાતરની જરૂરિયાતની વિગતો જિલ્લા સહકારી બેંક રાજ્ય સરકારના ખાતર ઉત્પાદક સાહસ જીએનએફસી/જીએસએફસીને મોકલી અપાશે. આ જરૂરિયાતના આધારે ખાતર કંપનીઓ સંબંધિત સેવા મંડળીને ખાતરનો જથ્થો મોકલશે. ખેડૂતોને આ વિપદાની વેળાએ રોકડામાં ખાતર માટેના નાણાં ચૂકવવા ન પડે તેથી સહકારી બેંક નાણાં ચૂકવી આપશે અને આ નાણાં ખેડૂતો ટૂંકી મુદ્દતનું ધિરાણ જે રીતે પરત કરે છે તે પ્રમાણે પરત સહકારી બેંકને કરી શકશે.
પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારો : બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પશુઓ માટે પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારો અપાશે. પશુપાલકોને પ્રતિપશુ પ્રતિદિન ૪ કિલો ઘાસ પાંચ પશુઓની મર્યાદામાં એકસામટું ૧૦ દિવસનું ઘાસ વિનામૂલ્યે અપાશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગૌશાળાઓ અને પાંજરાપોળમાં હયાત પશુઓને ૭ દિવસ સુધી પ્રતિ પશુ પ્રતિદિન ૪ કિગ્રા ઘાસ આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે લીધો છે. તદ્‌ઉપરાંત બનાસ ડેરીના સભાસદો અને જિલ્લાની પાંજરાપોળ-ગૌશાળાઓને બનાસદાણ રાહત દરથી પૂરૂં પાડવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી પ૦-પ૦ ટકા પ્રમાણે ખર્ચ ભોગવશે.
કપડા અને ઘરવખરી સહાય : બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કપડા અને ઘરવખરી સહાય તરીકે કુટુંબદીઠ રૂા.૭,૦૦૦ની સહાય આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે.
પશુ મૃત્યુ સહાય : સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ પ્રમાણે પશુપાલકોને ૩ દૂધાળા પશુઓની મર્યાદામાં પશુ દીઠ રૂા.૩૦,૦૦૦ની સહાય આપવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે બનાસકાંઠા-પાટણ પેકેજમાં પશુદીઠ રૂા.૧૦,૦૦૦નો વધારો કરીને ત્રણ પશુઓની મર્યાદામાં પશુદીઠ રૂા.૪૦,૦૦૦ની પશુ મૃત્યુ સહાય આપવાની જાહેરાત કરી છે.
રૂા.૧પ૦૦ કરોડ ક્યાં ફાળવાશે

કૃષિ અને જમીન સુધારણા માટે રૂા.૧,૩૧૧ કરોડ
વીજળી માટે રૂા.૭પ કરોડ
પશુ સહાય અને પશુપાલન માટે રૂા.ર૦ કરોડ
વેપાર-વ્યવસાય-ઉદ્યોગો માટે રૂા.૧પ કરોડ
મહેસૂલ વિભાગ હસ્તકની યોજનાઓ માટે રૂા.૭૯ કરોડ

પૂરગ્રસ્ત નાના સ્થાયી કેબિનધારકોને
રૂા.૧પ હજારની સહાય ચૂકવાશે

અમદાવાદ, તા.૩
આ ધાનેરા આર્થિક સહાય અને પુનઃવસન પેકેજમાં જે સહાય-રાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સ્વરોજગારી મેળવતા લારી-રેકડીવાળાઓને રૂા.પ હજાર રોકડ સહાય આપવામાં આવશે. આવી લારી-રેકડીવાળાને રેકડી તેમને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. નાની સ્થાયી કેબિન ધારકોને રૂા.૧પ હજાર રોકડ સહાય ચૂકવવામાં આવશે. મોટી કેબિન, નાની-મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવનારાઓને રૂા.૭પ હજારની રોકડ સહાય આપવામાં આવશે. ધાનેરા શહેરમાં એપીએમસી સિવાયના વિસ્તારના મોટા દુકાનદારો જેમનું માસિક ટર્નઓવર રૂા. પ લાખથી વધુ હોય તેમને રૂા.૧૦ લાખ સુધીની બેંકલોન સામે બે વર્ષ માટે સંંપૂર્ણ વ્યાજ સહાય આપવામાં આવશે. ધાનેરા એપીએમસીમાં વ્યાપક નુકસાન થયું છે અને અનાજ તેલિબિયાનો જથ્થો સંપૂર્ણ નાશ પામ્યો છે. વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાથી આ માટે તેમને મદદરૂપ થવા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જો રૂા.૧પ લાખની મર્યાદામાં બેન્ક લોન લે તો બે વર્ષ માટે રાજ્ય સરકાર વ્યાજ સહાય કરશે. ઉપરાંત સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ-પૂરથી નુકસાન પામેલા અસરગ્રસ્ત વિસ્તારોના નાના સ્થાયી કેબિનધારકોને પણ રૂા.૧પ હજાર રોકડ સહાય ચૂકવવામાં આવશે.