પાલનપુર, તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી પાલનપુર સ્થિત જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી. વહેલી સવારે યોજાયેલ મતગણતરી દરમ્યાન ભારે ઉતાર-ચઢાવથી ઉમેદવારોમાં કભી ખુશી-કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું હતું, અને બનાસકાંઠાની નવ વિધાનસભા સીટ પર ૬ ઉમેદવારો કોંગ્રેસના ચૂંટાયા હતા જ્યારે ત્રણ ઉમેદવારો ભાજપના ચૂંટાયા હતા. જેમાં આઘાતજનક સમાચાર લોકોને એ જાણવા મળ્યાં હતાં જેની ચર્ચા સમગ્ર બનાસકાંઠામાં ટોક ઓફ ધી ડિસ્ટ્રીકટ બની હતી એ રાજ્યના મંત્રી અને ભાજપના વાવ બેઠકના ઉમેદવાર શંકર ચૌધરી હારી ગયા હતા. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે શંકર ચૌધરી પરાજીત થતાં સમગ્ર રાજ્યમાંં ચકચાર મચી જવા પામી હતી.
દરમ્યાન બનાસકાંઠાએ આ ચૂંટણીમાં ફરી રંગ રાખી ગત ર૦૧રની ચૂંટણીની જેમ પુનઃ ૬ સીટો કબજે કરી હતી. જેમાં પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલ, ભાજપના લાલજી પ્રજાપતિને હરાવી વિજેતા જાહેર થયા હતા. જ્યારે વડગામ બેઠક પર કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી ભાજપના વિજય ચક્રવર્તીને હરાવી વિજેતા જાહેર થયા હતા. જ્યારે દાંતા બેઠક પર કોગ્રેસના કાન્તી ખરાડી ભાજપના માલજી કોદરવીને હરાવી વિજેતા જાહેર થયા હતા. ધાનેરા બેઠક પર કોંગ્રેસના નથાભાઈ પટેલ ભાજપના માવજી દેસાઈને હરાવી વિજેતા જાહેર થયા હતા. જ્યારે વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ભાજપના શંકર ચૌધરીને હરાવી વિજેતા જાહેર થયા હતા તથા દિઓદર બેઠક પર કોંગ્રેસના શીવાભાઈ ભુરીયા ભાજપના કેશાજી ચૌહાણને હરાવી વિજેતા જાહેર થયા હતા. આમ કોંગ્રેસે ૬ બેઠક કબજે કરી હતી. જો કે ડીસા-થરાદ અને કાંકરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ડીસામાં ભાજપના શશીકાંત પંડ્યાએ કોંગ્રેસના ગોવાભાઈ રબારીને હરાવ્યા હતા તથા થરાદમાં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના ડી.ડી. રાજપૂતને હરાવ્યા હતા. કાંકરેજમાં કિર્તીસિંહ વાઘેલાએ કોંગ્રેસના દિનેશ જાલેરાને હરાવ્યા હતા. આમ બ.કાં.ની નવ સીટમાં ૬ કોંગ્રેસ અને ૩ ભાજપે કબજે કરી હતી.