અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે કોઈને કોઈ મુદ્દે વિવિધ પક્ષના હોદ્દેદારો કે કોઈ જ્ઞાતિના લોકો કોંગ્રેસ અને ભાજપને કોઈને કોઈ મુદ્દે ભીંસમાં લઈ રહ્યા છે તો બીજી બાજુ શાણા બની ગયેલા મતદારો પણ પાંચ વર્ષે મત લેવા ભૂલા પડનારા નેતાઓને પોતાને પડતી અગવડોનો અહેસાસ કરાવવા મેદાને પડ્યા છે ત્યારે આવી જ એક બાબતને સાર્થક કરતા હોય તેમ અમીરગઢ તાલુકાના ગ્રામજનોએ ખરાબ રસ્તા મામલે રોડ નહીં તો વોટ નહીંનું અભિયાન શરૂ કર્યું છે તે જોતા ભાજપની વોટ બેન્કમાં ગાબડું પડવાના એંધાણ દેખાઈ રહ્યા છે આ મુશ્કેલીમાં આવેલી ભાજપ માટે નીત નવી-નવી મુસીબતો સામે આવી રહી છે.
લોકશાહીમાં લોકોનું મહત્ત્વ ચૂંટણી ટાણે જ નેતાઓને દેખાય છે ત્યારે શાણા બનેલા પ્રજાજનો પણ હવે ચૂંટણી ટાણે જ નેતાઓને આડે હાથ લેવાનું ચૂકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવો નજારો જોવા મળ્યો હતો. જિલ્લાના અમીરગઢ તાલુકામાં ગ્રામજનોએ ખરાબ રસ્તા મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાના નેતાઓની વિરૂદ્ધમાં રેલી કાઢી હતી. સાથે જ વોટ નહીં આપનારના બેનર પણ દર્શાવ્યા હતા. અમીરગઢમાં આવેલ સરોત્રી ગામના ગ્રામજનોએ ‘રોડ નહીં, તો વોટ નહી’ તેવા પોસ્ટરો લઈ રેલી કાઢી હતી અને ચૂંટણી વખતે જ ભૂલા પડતા ઉમેદવારોને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે અહીંયા નેતાઓએ વોટ માંગવા ન આવવું આમ અનેક મુદ્દે ભીંસમાં આવેલી ભાજપા માટે અમીરગઢના પ્રજાજનો રોડ-રસ્તા મામલે વોટબેન્કમાં મોટંુ ગાબડંુ પાડે તો નવાઈ નહીં !