(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
રાજસ્થાનના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આંતરરાષ્ટ્રીય કોલ કરીને છેતરપિંડી કરી રહેલી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સોફ્ટવેર દ્વારા સરકારી અધિકારીઓના મોબાઈલ અને ટેલિફોન નંબર લઈને તેમના નામથી બળજબરીપૂર્વક નાણાં પડાવી રહી હતી. આ કેસમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મંત્રી રાધેશ્યામ ગંગાનગરના પૌત્ર સાહિલ રાજપાલનું નામ સામે આવી રહ્યું છે. જેને પગલે સાહિલની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, સાહિલ પર આરોપ છે કે તે એ.સી.બી.નો બનાવટી અધિકારી બનીને ઈજનેરો અને ઠેકેદારોનેે આંતરરાષ્ટ્રીય કોલ કરીને છેતરપિંડી કરી રહ્યો હતો અને પૈસા પડાવતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ગેંગ એસીબીના અધિકારીઓના નામને જ છેતરપિંડી કરવા માટે નિશાન બનાવી રહી હતી. સાહિલ આ આંતરરાષ્ટ્રીય ગેંગનો માસ્ટરમાઈન્ડ હતો, કે જે મોટી-મોટી કંપનીઓ પાસે છેતરપિંડી દ્વારા પૈસાની વસૂલી કરી રહ્યો હતો. આ કેસની જાણકારી આપતા એ.ડી.જી. એ.સી.બી. આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, લગભગ ૬ મહિના પહેલા આરોપી સાહિલે પી.એચ.ડી. વિભાગના ઈજનેરને છેતરપિંડી માટે ઈન્ટરનેટ કોલ કર્યો હતો. સાહિલે આ ઈજનેરને વિભાગમાં ભ્રષ્ટાચાર કરવા પર કાર્યવાહી કરવાની ધમકીઓ આપતા લગભગ દોઢ લાખ રૂપિયાની વસૂલી કરી હતી. આ કેસમાં ફેબ્રુઆરી મહિનામાં એક ઈજનેરે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.એ દિલ્હીમાં સીબીઆઈનો સંપર્ક કરીને ફરિયાદના દસ્તાવેજો મેળવ્યા અને ૬ મહિનામાં ટેક્‌નોલોજીનું બહોળુ જ્ઞાન ધરાવતા ૯ દેશો સાથે સંપર્ક સાધ્યો. રાજપાલની ગેંગમાં સામેલ બીજા શખ્સો વિશે એ.સી.બી. ભાળ મેળવી રહી છે.