અમદાવાદ,તા. ૨૧
બોગસ પાસપોર્ટના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો ગુજરાત એટીએસના અધિકારીઓએ પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી એટીએસના અધિકારીઓએ આઠ બોગસ પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર રમેશભાઇ પટેલ, પ્રવીણ શંકરભાઇ માંગેલા, ખાલીદ(રહે.મુંબઇ) અને સંજય હરિભાઇ પટેલનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં આ તમામ આરોપીઓએ અન્ય આરોપીઓની સાથે મળીને એકબીજાના મેળાપીપણામાં ૭૦થી વધુ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. બોગસ પાસપોર્ટના આ કૌભાંડમાં મૂળ પોરબંદરનો વતની પરંતુ હાલ યુ.કે(લંડન) ખાતે રહેતા આરોપી પ્રતાપ ઓડેદરા નાસતો ફરે છે. એટીએસના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે અમરાઇવાડી સીટીએમ એક્સપ્રેસ હાઇવે ટી જંકશન પાસેથી આરોપી પ્રવીણ માંગેલા(રહે.માંગેલ્વાડ, મોટી દમણ) અને જીતેન્દ્ર પટેલ(રહે.બી-૬-૩૮, રૂપલ એપાર્ટમેન્ટ, રાણીપ, અમદાવાદ)ને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતાં સમગ્ર બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી જીતેન્દ્રએ કબૂલ્યું હતું કે, મારે ત્રણ બોગસ પાસપોર્ટ કે જે આરોપી પ્રવીણ માંગેલાએ મોકલ્યા હતા તે ડ્રાઇવર યોગેશ દયારામ પ્રજાપતિ(રહે.નાની દમણ)ને આપવાના હતા અને પ્રવીણ માંગેલાએ મોકલેલા પાંચ બોગસ પાસપોર્ટ લેવાના હતા. તપાસમાં એ પણ ખૂલ્યું હતું કે, યુરોપીયન કન્ટ્રીઝમાં જવા ઇચ્છતા કોઇપણ નાગરિકની વિગતો અમદાવાદના જીતેન્દ્ર પટેલને અપાતી હતી, તે મુંબઇના ખાલીદને બોગસ પાસપોર્ટ બનાવવા કામ સોંપતો હતો. ખાલીદ તે નાગરિકને દિવ, દમણ અને ગોવાનો મૂળ રહેવાસી દર્શાવી બોગસ પાસપોર્ટ બનાવતો હતો. આ કામગીરીમાં આરોપી પ્રવીણ માંગેલા મદદગારી કરતો હતો. બાદમાં યુરોપ ગયેલા નાગરિકોને યુ.કે. રહેતા અને મૂળ પોરબંદરના વતની આરોપી પ્રતાપ ઓડેદરા ત્યાં સ્થાયી થવામાં મદદ કરતો હતો. એક પાસપોર્ટ પેટે આરોપીઓને રૂ.૨૫થી ૩૦ લાખની માતબર રકમ મળતી હતી.