(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
પાંડેસરા બમરોલી ખાતે આવેલ આદર્શ સોસાયટીના પ્લોટોના બોગસ કબજા રસીદો બનાવી પ્લોટો વેચી દીધા હોવાની ફરિયાદ પ્લોટ ધારકોએ પાંડેસરા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કેનાલ રોડ ઈન્દ્રલોકમાં રહેતાં નરેન્દ્ર ઉર્ફ નટુ અંબાલાલ પટેલે આરોપી સુરેશચંદ્ર રતનલાલ શાહ રહે. નિલમ હોટલ પાછળ, દિવાકરનાથ રામસહોદર મિશ્રા રહે. પાંડેસરા અપેક્ષા નગર, ગણેશ હિરાલાલ રાણા રહે. શિવશક્તિ ભાઠેના રોડ, અરવિંદ રામમૂર્તિ તિવારી રહે. ધર્મનાથ સાયણ, જોન થોમસ જોનસકિયા વેગ્યુવટિલ રહે. સેન્ટ બેસીંલ મીશન સ્કૂલ બમરોલી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બમરોલી આદર્શ સોસાયટીમાં ફરિયાદીના સાત પ્લોટ, બીપીન મહંતોનો એક પ્લોટ, માયાવતીબેન ગજ્જરના બે પ્લોટના બોગસ કબજા રસીદો બનાવી બનાવટી સહીઓ કરી પ્લોટો પચાવી પાડવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવાના કામે ઉપયોગ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.