(એજન્સી) ભોપાલ, તા. ૨૨
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા તથા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે રાતે બંધ બારણે બેઠક કરતા રાજકીય અટકળોએ વેગ પકડ્યું છે. બંને નેતાઓએ સોમવારે રાતે ૪૫ મિનિટ સુધી વાત કરી હતી. આ બેઠક અંગે અનેક કયાસ લગાવાઇ રહ્યા છે જોકે, બંને નેતાઓએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે રાતે દિલ્હીથી ભોપાલ પહોંચ્યા હતા અને ત્યારબાદ અચાનક પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહના ઘરે પહોંચી ગયા હતા.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ કહ્યું કે, અમારા બંને વચ્ચે કોઇ વિવાદ નથી. એકબીજા પ્રત્યે કોઇ વેરભાવ નથી. હું એવી વ્યક્તિ નથી કે, ચૂંટણી વખતની કડવાશને લઇ આખી જીંદગી વીતાવું. આના માટે એમ કહેવાય છે કે, રાત ગઇ બાત ગઇ. અમારી બધી વાતો ભૂલાવી મધ્યપ્રદેશના ભવિષ્યને સુધારવાનું છે તેથી સૌને સાથે લઇને ચાલવું પડશે. ખાસ કરીને કોંગ્રેસની જવાબદારી છે કેમ કે તે સત્તામાં છે. ચૂંટણી મેદાનમાં ખેંચતાણ થાય છે પણ ચૂંટણી બાદ બધાએ સાથે મળીને કામ કરવું જોઇએ.સિંધિયાએ ચૌહાણ સાથે વાતને સારી ગણાવી કહ્યું કે, તેઓ અમારા રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે તેમને મળવા આવ્યો છું. અમારી વચ્ચે ઘણી બધી વાતો થઇ. સિંધિયાએ સવાલ કર્યો કે, શું વિપક્ષ કોંગ્રેસ સાતે મળશે તો તેમણે કહ્યું કે, વિપક્ષે હંમેશા સારી બાબતોનો સાથ આપવો જોઇએ અને ખામીઓને બહાર લાવવું જોઇએ. દેશના પ્રજાતંત્રમાં વિપક્ષની ભૂમિકા એટલી જ મહત્વની છે જેટલી સત્તા પક્ષની હોય છે. કેન્દ્રમાં કોંગ્રેસનું મહત્વપૂર્ણ યોગદાન છે અને અપેક્ષા છે કે, આજ રીતે રાજ્યમાં ભાજપનું હશે. સિંધિયાના ખુલાસા બાદ પણ આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.