(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, ભરૂચ,
વાપી, તા.૩૧
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સંગઠનો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે ભરૂચ, નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા હતા. કયાંક ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો, નરેન્દ્ર મોદી ગો બેકના નારા, કાળા ફુગ્ગાઓ ઉડાડી વિરોધ અને રસ્તાઓ પર વૃક્ષો, વાહનો મૂકી અને ટાયરો સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિરોધને પગલે અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
ભરૂચથી પ્રાપ્ત વિગત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરે તે પહેલા ગતરોજથી જ વિરોધ ડામી દેવાની કવાયતમાં લાગેલી ભરૂચ-નર્મદા જિલ્લા પોલીસે કુલ ૧૧૦૮ જેટલા લોકોને ગત મોડીરાતથી જ નજર કેદ કરી લીધા હતા. જેમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી તેમજ ભિલીસ્તાન ટાઈગર સેનાના મહત્તમ આગેવાનો અને કાર્યકરોને નજર કેદ કરાયા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બીટીપીના અગ્રણી ડૉ.પ્રફુલ વસાવાએ રકતથી “નરેન્દ્ર મોદી ગો બેક”ના બેનરો બનાવી વિરોધ નોંધાવ્યો હતો. બીટીપી તથા બીટીએસના કાર્યકરોએ કાળા રંગના ફૂગ્ગા હવામાં છોડી આક્રોશ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા તેમજ ભરૂચ, જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વૃક્ષો કાપી ધોરીમાર્ગો ઉપર અંતરાયો ઉભા કરતા વાલિયા-દેડિયાપાડા, કેવડિયા-વડોદરા તથા નેત્રંગ-ઝઘડિયા સહિત મુખ્ય માર્ગો ઉપર ર૦થી રપ કિ.મી. સુધીનો ચક્કાજામ થઈ જવા પામ્યો હતો. અને સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. બિનસત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અન્વયે ત્રણ જેટલા સ્થળોએ પ્રદર્શનકારીઓ ઉપર હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
વાપીથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં પણ ભીલીસ્થાન ટાઈગર સેના અને આદિવાસી એકતા પરિષદ સહિતના સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સમગ્ર વલસાડ જિલ્લામાંથી આદિવાસી સંગઠનો દ્વારા આ બંધમાં જોડાવવા માટે કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજરોજ રાતના ૩ વાગ્યાથી જ વલસાડ જિલ્લા પ્રશાસન તંત્ર પોલીસ દ્વારા આદિવાસી એકતા પરિષદ અને ભીલીસ્થાન ટાઈગર સેનાના આદિવાસી વિસ્તારોમાં હોદેદારોને અગ્રણીઓ તથા વલસાડ જિલ્લા ભીલી સ્થાન ટાઈગર સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ પટેલ, મહામંત્રી બિપીન રાઉત, નાનુ પટેલને વલસાડ તાલુકા પોલીસ મથકે રાતે ૩ વાગ્યે પકડીને ધરપકડ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં આદિવાસી અનામત સીટના ધારાસભ્ય ભાજપના છે તે ધરમપુરમાં આજે સરકાર સામે ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તથા ધરમપુર શહેર પણ સજ્જડ બંધ રહ્યું હતું અને બજારો, વાહન વ્યવહાર તથા તમામ રોજિંદા જીવન કામગીરી બંધ રાખીને સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધરમપુરમા આદિવાસી એકતા પરિષદના કાર્યકર કલમેશ પટેલ, વિજય અટારા, તેમજ કોંગ્રેસના કાર્યકર્તા ધીરજભાઈ અને કલ્પેશભાઈની ધરમપુર પોલીસે વહેલી સવારે અટકાયત કરી હતી. ત્યારે ધરમપુર પોલીસ સ્ટેશન પર આદિવાસી સમાજના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે અને પકડવામાં આવેલા આદિવાસી અગ્રણીઓને છોડવાની માગણી કરીને પોલીસ સ્ટેશનની સામે જ ધરણાં પર બેસી ગયા હતા.
વલસાડ જિલ્લામાં આવેલ કપરાડા તાલુકાના કોંગ્રેસના વિધાનસભ્ય જીતુ ચૌધરીએ “ગુજરાત ટુડે”ના પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે અમારો વિરોધ નથી પણ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે સૌથી પહેલાં વિરોધ ભાજપની સરકારે કર્યો હતો. જે ભાજપની બેવડી નીતિ અને કાર્યશૈલી પર સવાલ ઉઠાવે છે. !!! વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ જયેન્દ્ર ગાંવિત, મહામંત્રી બિપીન રાઉત, નાનુ પટેલ ઉમરગામ તાલુકામાં ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ નરેશ પટેલ વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિના વલસાડ જિલ્લાના સંયોજક ભીમરાવ કટકેની વાપી ડુંગરા પોલીસ દ્વારા તથા ભીલીસ્થાન ટાઈગર સેનાના વાપી તાલુકા પ્રમુખ કેતન પટેલની અટકાયત કરવામાં આવી હતી અને ભીમરાવ કટકેએ જણાવ્યું હતું કે શાંતિથી આંદોલન કરનારા આદિવાસી અગ્રણીઓની સરકાર દ્વારા પોલીસની મદદથી આંદોલનને દબાવવા માટે ધરપકડ કરવામાં આવી હતી તે કલમ ૧૯ એ નો બંધારણીય હક્કનો ભંગ છે. સરકાર અમોને આવી રીતે દબાવીને આંદોલન તોડી નહીં શકે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ અને વાંકલ તાલુકામાં બજારો બંધ રહ્યા હતા. પોલીસે બીટીએસના ઉપપ્રમુખ તથા તાલુકાના પ્રમુખ સહિત પાંચની અટકાયત કરી હતી.