(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતા અને મુરતિયાના નામો જાહેર થતાં પહેલા ટિકિટ મેળવવા ઈચ્છુક ઉમેદવારોના સમર્થનમાં અચાનક ઉના શહેર બંધ રાખવાના બોર્ડ લાગતા અને સમસ્ત વેપારી સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાની અપીલના પગલે આજે સવારથી નાના-મોટા તમામ ધંધા રોજગાર કરતા વેપારી શાકબકાલા માર્કેટ અને પાન-બીડીની દુકાનો પર વેપાર કરતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળેલ હતો અને બજારોમાં ઓટલા ચોક અને જાહેર રસ્તાઓ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ બંધ રાખવાની બાબત તેમજ સમર્થન અંગે જાત-જાતની ચર્ચાઓ સાંભળવા મળતી રહી હતી. કેટલાક વેપારી અગ્રણીઓ સાથે પોલીસના અધિકારીઓએ ચર્ચા કરી ગામના બજારો ખોલી નાખવા પણ જણાવતાં પોલીસને વેપારી દ્વારા પોતાની કાયમી સલામતી કોણ પુરી પાડશે તેવા પ્રશ્નો ઉઠાવી પોતે કોઈ સાથે સંઘર્ષમાં ઉતરવા કરતા બંધ રાખવું યોગ્ય ગણાવેલ હતું. પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પોલીસ અધિક્ષક જોઈસર દોડી આવતા અને તેમણે પણ બેઠક બોલાવી પોલીસ અધિકારી સાથે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને વેપારી સંસ્થાના આગેવાનને સાથે રાખી નાટકીય રીતે બપોર બાદ દુકાનો ખોલાવવા નિકળતાં થોડા ઘણા નાના ધંધાર્થીઓએ પોતાના ધંધા-રોજગાર બપોરબાદ શરૂ કરી દીધા હતાં. પરંતુ તમામ બજાર ખુલવા પામ્યું ન હતું.