અમદાવાદ, તા.૩૦
શહેરના છારાનગરમાં ગુરુવારની મોડી રાતે પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે છારા સમાજના ત્રણ વકીલ તેમજ નિર્દોષ લોકો પર લાઠી વરસાવતાં આજે મેટ્રો કોર્ટના તમામ વકીલોએ કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો અને એડ્‌વોકેટ પ્રોટેક્શન એક્ટ રાજ્ય સરકાર બનાવે તેવી માગ કરી હતી. દારૂ-જુગારના અડ્ડા પર દરોડા પાડવા ગયેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ ડી.કે. મોરી અને તેમની ટીમ પર શનિ ગારંગે સહિત કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ એક હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ છારાનગરમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું અને લોકોનાં વાહનોની તોડફોડ કરી હતી અને લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લોકોના ઘરમાં ઘૂસીને લાઠીઓ વરસાવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ વકીલ, એક સ્ટેજ કલાકાર અને પ્રેસ ફોટોગ્રાફર સહિત ર૯ લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા તમામ લોકો પર પોલીસે લાઠીચાર્જ કરીને ઢોર માર માર્યો હતો.