(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૩
મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસવડા કચેરીની સામે અને ફક્ત ૨૦૦ મીટર દૂર આવેલી તત્ત્વ ઇન્સ્ટિટ્યુટ એન્જિનિયરીંગ કોલેજમાં બુકાનીધારી લૂંટારૂઓ ત્રાટકી એક ચોકીદારને મોઢામાં ડૂચો મારી અન્ય એક ચોકીદાર અને તેના પરિવારને મારમારી રૂમમાં પુરી દઈ સતત ૪ કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી ૨૦ હજાર રૂપિયા મળી આવતા લૂંટ કરી નાસી છૂટ્યા હતા. કોલેજમાં લૂંટની ઘટના બનતા કેમ્પસ ડાયરેકટર જયદત્તસિંહ પુવાર કોલેજ દોડી આવી કોલેજમાં બનેલી લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ અને બંને ચોકીદાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડ ઉ.૩૦ને શનિવારની મધ્ય રાત્રીએ અજાણ્યા ૫થી વધુ લૂંટારૂઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપતા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. મોડાસા ખાતેની જિલ્લા પોલીસ વડા ભવનથી માત્ર ૨૦૦ મીટર દૂર કોલેજમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ભય પેદા થયો છે. કોલેજના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો બીજો ચોકીદાર લૂંટારૂઓને જોઈ જતા બુમાબુમ કે પ્રતિકાર કરે તે પહેલા લૂંટારૂઓએ ચોકીદાર સહિત અને તેના બે સંતાનોને મારમારી રૂમમાં પુરી દેતા ચકચાર મચી હતી. તીક્ષ્ણ હથિયારો સાથે કોલેજની ઓફિસમાં લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.