(એજન્સી) શ્રીનગર, તા. ૨૮
જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ છે જેમાં ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા ૧૨ કલાકના ગાળામાં જ ત્રણ ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા બાદ ભારતના જુદા જુદા રાજ્યોમાં વધારે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૨ કલાકમાં ત્રણ આતંકવાદી હુમલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી છે. રાજ્યના ગંદરબાલ અને રામબન જિલ્લામાં થયેલી ત્રાસવાદી અથડામણમાં જવાનોએ ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. રામબનમાં એક પરિવારને બાનમાં લેવાયો હતો. રામબન ઉપરાંત ગંદરબાલ જિલ્લામાં એક ત્રાસવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના આઈજી મુકેશસિંહે રામબનની અથડામણ અંગે માહિતી આપતા કહ્યું છે કે, તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે. આ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા જ્યારે સેનાના એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી છે. તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે. પોલીસના બે જવાન પણ ઘાયલ થયા છે. ઓપરેશનને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સુરક્ષા દળોના કહેવા મુજબ ત્રાસવાદીઓએ એક પરિવારના સભ્યોને બાનમાં પકડી લેવાના પ્રયાસો કર્યા હતા. જો કે, તેમને સફળતા મળી નથી. જવાનોએ આ પરિવારને કોઇ રીતે ઘરમાંથી બહાર કાઢી લીધા હતા. પરિવારને બચાવી લેવામાં આવ્યા બાદ અથડામણ શરૂ થઇ હતી. જમ્મુ કાશ્મીરના પોલીસ આઈજીએ કહ્યું છે કે, સુરક્ષા દળોએ ચાર ત્રાસવાદીઓને ઠાર માર્યા છે. એક સુરક્ષા જવાનનું મોત નિપજ્યું છે. રામબાણ જિલ્લાના બટોટ વિસ્તારમાં ત્રાસવાદીઓએ ભાજપના કાર્યકરના પરિવારના સભ્યોને બાનમાં પકડી લીધા હતા. બાતમી મળ્યા બાદ સેનાની ૨૨ રાષ્ટ્રીય રાયફળ, ૮૪ બટાલિયન સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજીની ટીમે આજે જોરદાર ઘેરાબંધી કર્યા બાદ કાર્યવાહી શરૃ કરી હતી અને બાનમાં પકડેલા તમામને સુરક્ષિતરીતે બચાવી લીધા હતા. એમ માનવામાં આવે છે કે, સાદા વસ્ત્રોમાં ત્રણ ત્રાસવાદીઓ આજે વહેલી પરોઢે બટોટના એક ઘરમાં ઘુસી ગયા હતા અને પરિવારના સભ્યોને બાનમાં પકડી લીધા હતા. આ ઘટના બાદ સેનાના જવાનોએ ખુબ જ સાવચેતીપૂર્વક પરિવારના છ લોકોને બચાવી લીધા હતા ત્યારબાદ અન્ય ઘરોને ખાલી કરાવીને ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રામબાણ ઉપરાંત પાટનગર શ્રીનગરમાં ત્રાસવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જો કે, આમા કોઇ નુકસાન થયું નથી. ત્રાસવાદી હુમલાઓની વચ્ચે મધ્ય કાશ્મીરના ગંદેરબાલમાં આજે એક મોટી અથડામણ થઇ હતી. આ ઓપરેશનમાં એક ત્રાસવાદી ઠાર થયો છે. રામબાણ ઉપરાંત ત્રાસવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉન સ્થિત સફાકદલ વિસ્તારમાં સીઆરપીએફની પેટ્રોલ ટુકડી પર હુમલો કર્યો હતો. જવાનો પેટ્રોલિંગ ઉપર હતા ત્યારે આ હુમલો કરાયો હતો. જો કે, આ હુમલામાં કોઇને કોઇ નુકસાન થયું નથી. સફાકદલના નવા કદલ ચોકમાં આ હુમલો કરાયો હતો. બનાવની જાણ થયા બાદ સેના, પોલીસ અને એસઓજીની ટીમોએ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યમાં બે ત્રાસવાદી હુમલા વચ્ચે ગંદરબાલમાં સુરક્ષા દળોને ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.