પાટણ, તા.ર૮
પાટણ ખાતે આજે કોંગે્રસ દ્વારા ૧૩પમાં સ્થાપના દિન અને “બંધારણ બચાવો દેશ બચાવો” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરોએ કોંગ્રેસના ધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ છે અને વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. ભારતની આઝાદીમાં કોંગ્રેસનું બહુ મૂલ્ય યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરૂ, મૌલાના અબુલ કલામ આઝાદ સહિતના મહાનુભાવોની પરંપરા કોંગ્રેસ આજે પણ નિભાવી રહી છે.
આ ઉપરાંત “બંધારણ બચાવો દેશ બચાવો”ના સંકલ્પ સાથે બગવાડા દરવાજા ખાતે આવેલ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી “સંવિધાન બચાવો દેશ બચાવો”ના સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકાર દ્વારા બંધારણમાં છેડછાડ કરી દેશના નાગરિકોને દુઃખ પહોંચાડવામાં આવી રહ્યું છે, તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણની કલમ ૧૪ મુજબ દેશના દરેક નાગરિકને સમાન હક મળે તે માટે બંધારણ બચાવોના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, શંકરલાલ મોદી, લાલેશ ઠક્કર, હુશેનમિયાં સૈયદ, મુકેશ પટેલ, પ્રવિણ રાઠોડ, ભરત ભાટિયા સહિત કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.