(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર મોકલી દેવાને સીધે-સીધા રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા પત્રકાર પરિષદમાં વડાપ્રધાન પર રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સીબીઆઇ ડિરેક્ટરને રાતે બે વાગે હટાવવામાં આવ્યા જેનું મુખ્ય કારણ રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સીબીઆઇ ડિરેક્ટરની નિમણૂંક ત્રણ લોકોની સમિતિ કરે છે જેમાં પીએમ, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ સામેલ હોય છે. તેમણે ઉમેર્યું કે, સીબીઆઇ ડિરેક્ટરને વડાપ્રધાને રાતે બે વાગે હટાવ્યા જે ભારતના બંધારણ, મુખ્ય ન્યાયમૂર્તિ, વિપક્ષના નેતા અને ભારતના લોકોનું અપમાન છે. આ કામ ગેરકાયદે અને અપરાધિક છે. તેમણે એમ નાગેશ્વર રાવને સીબીઆઇના વડા બનાવવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષે વર્માને રજા પર મોકલી દેવાને રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર પર પડાદો નાખવાના પ્રયાસો ગણાવતા કહ્યું કે, સીબીઆઇ રાફેલમાં વડાપ્રધાનની ભૂમિકા અને કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા જઇ રહી હતી તેથી રાતે બે વાગે સીબીઆઇ ડિરેક્ટરને વડાપ્રધાને હાંકી કાઢ્યા. જો રાફેલ મામલે તપાસ થઇ જાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. દેશના જાણવા મળીજશે કે વડાપ્રધાને ભ્રષ્ટાચાર દ્વારા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે અને તેમના ખિસ્સામાં નાણા નાખ્યા છે. તેમણે ઉમેર્યું કે, સીબીઆઇ ડિરેક્ટરના રૂમને સીલ કરાયું. ઘણા મહત્વના દસ્તાવેજો લઇ લેવામાં આવ્યા અને આ કામ રાતે બે વાગે જ થઇ શકે તેમ હતું. પુરાવાઓને દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે અને હવે જાસૂસીના પ્રયાસ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે આલોક વર્માના ઘર પાસે સવારે જાસૂસીના આરોપમાં ચાર લોકોને પકડી પડાયા હતા જોકે, બાદમાં જાણવા મળ્યું કે, તેઓ આઇબીના અધિકારીઓ હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, એચએએલ પાસેથી કોન્ટ્રાક્ટ છીનવીને મોદીએ અંબાણીના ખિસ્સામાં ૩૦ હજાર કરોડ રૂપિયા નાખી દીધા છે. આજ ભ્રષ્ટાચાર પર પડદો નાખવા માટે એક બાદ એક ઘણા ખોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. પણઆખરે ચોરી પકડાઇ જશે. તેમણે કહ્યું કે, દેશના ચોકીદારે ચોરી કરી છે અને આખરે નરેન્દ્ર મોદી આખરે પકડાઇ જશે.