(એજન્સી) તા.૨૮
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા સંબંધિત અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમકોર્ટે બંધારણીય બેન્ચની રચના કરી છે. આ બેન્ચ કલમ ૩૭૦ હટાવવાની જોગવાઈઓ અને પ્રક્રિયાઓને અલગ અલગ દૃષ્ટિકોણથી પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓમાંથી બે અરજીઓ ૩૭૦ હટાવવાની જોગવાઈઓની સાથે સાથે તેના વિશે રાષ્ટ્રપતિની નોટિફિકેશનને પણ પડકારે છે. બંધારણીય બેન્ચ એક ઓક્ટોબરથી આ અરજીઓ પર સુનાવણી હાથ ધરશે.
કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે જસ્ટિસ એન.વી.રમનાના વડપણ હેઠળની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી.આર.ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. બંધારણીય બેન્ચ ૧ ઓક્ટોબરથી સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ બેન્ચમાં ખુદને સામેલ નથી કર્યા. કારણ એ છે કે તે ૧૭ નવેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે. જોકે તેમના વડપણ હેઠળની બંધારણીય બેન્ચ હાલમાં અયોધ્યા મામલે સુનાવણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરની બંધારણીય અને નાગરિક અધિકારો પર પ્રતિબંધને પડકારતી કુલ ૧૪ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાં બે અરજીઓ હેબિયસ કોપર્સ, જોકે બે કરફ્યૂ અને અન્ય પ્રતિબંધોને હટાવવાને લઇને હતી. એક અરજી મીડિયા અને પ્રજાની માહિતી મેળવવાના અધિકારો સંબંધિત છે જોકે બાકી ૯ અરજીઓ કલમ ૩૭૦ને હટાવવાની જોગવાઈઓ અને પ્રક્રિયા અલગ અલગ દૃષ્ટિકોણથી પડકારી રહી છે.