(એજન્સી)
સમસેરગંજ, તા.ર૬
મુર્શિદાબાદના સમસેરગંજના મુસ્લિમ ગ્રામીણોએ સ્થાનિક મસ્જિદમાં મંડળને સહાય માટેની અપીલ કર્યા બાદ આગમાં ભસ્મીભૂત થઈ ગયેલા ૬ હિન્દુઓના ઘરોના બાંધકામ માટે પૈસા એકઠા કર્યા છે.
છેલ્લી ગણતરી મુજબ, લગભગ ૪૯,૦૦૦ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેને ૬ પરિવારો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. હાલ આ પરિવારો બાળ કલ્યાણ કેન્દ્રમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા તંબુઓમાં રહે છે.
ગુરૂવારે ફુલકુમારી ભાસ્કરના ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી, ત્યારબાદ તે આસપાસના અન્ય ઘરોમાં પણ ફેલાઈ ગઈ હતી. શાળાના શિક્ષક મોહમ્મદ અબ્બાસુદ્દીને કહ્યું કે, અમે આ બાબત અંગે ગામની ઈદગાહ સમિતિ, લુતફાલ હકના સચિવ સાથે ચર્ચા કરી હતી. શનિવારે ઈદના દિવસે, સચિવે જાહેર સંબોધન કરતાં લગભગ ૩૦૦૦ ગ્રામજનોને શક્ય તેટલા પૈસાનું દાન આપવાની અપીલ કરી હતી. શનીવારે અમે રૂપિયા ૩૩,૬૦૦ જ્યારે રવિવારે અમે રૂપિયા ૧પ,૦૦૦ એકઠાં કર્યા હતા.
ફુલકુમારીના ઘરમાં જ્યારે આગ લાગી હતી ત્યારે તે કરિયાણાની દુકાન પર સામાન ખરીદી રહી હતી. ઘરમાં આગ લાગી હોવાની જાણ થતાં તે દોડી આવી હતી. તેણીએ કહ્યું કે, સારૂં છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જ્યારે બ્લોક વિકાસ અધિકારી જોયદીપ ચક્રબર્તીએ કહ્યું કે, સહાયતા એ ખૂબ જ સારો સંકેત છે.