National

મુઝફ્ફરપુર આશ્રય ગૃહમાં બળાત્કારનો કેસ : બિહારમાં ડાબેરી પક્ષોએ આપેલ બંધના એલાનથી જનજીવન ખોરવાયું : વિરોધ પક્ષોનું બંધને સમર્થન

(એજન્સી) પટણા, તા.ર
બિહારના ઘણાં બધા શહેરોમાં બંધના એલાનના પગલે જનજીવન ખોરવાયું હતું. મુઝફ્ફરપુરમાં આશ્રયગૃહમાં બનેલ બળાત્કારની ઘટનાના વિરોધમાં ડાબેરી પક્ષોએ રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. મુખ્ય વિરોધ પક્ષ આરજેડી અને કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું હતું. પટણામાં બંધ સમર્થકોએ બળજબરીથી દુકાનો, બજારો બંધ કરાવ્યા હતા. બંધ સમર્થકો અને પોલીસ વચ્ચે ગાંધી મેદાનમાં સંઘર્ષ થયો હતો. વિરોધીઓ નીતિશ સરકારના વિરોધમાં સૂત્રો પોકારી રહ્યા હતા. મોટાભાગની શાળાઓ પટણામાં બંધ રહી હતી. કારણ કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવાગમનમાં મુશ્કેલી થઈ હતી. બંધને સફળ બનાવવા માટે આરજેડીના કાર્યકરો સીપીઆઈ(એમ)ના કાર્યકરો સાથે જોડાયા હતા. એમણે બ્રિજેશ ઠાકુરના ઘરની બહાર પ્રદર્શનો કર્યા હતા. આ વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા નાણાં મેળવી સંસ્થા ચલાવતો હતો. જેમાં છોકરીઓને રાખવામાં આવતી હતી. બળાત્કાર કરવાવાળા આરોપીઓમાં આ એક મુખ્ય આરોપી પણ છે. કેટલાક સ્થળોએ ટ્રેન વ્યવહાર અને માર્ગ વાહન-વ્યવહાર પણ ખોરવાયેલ રહ્યો હતો. પ્રદર્શનકારીઓએ ટ્રેક ઉપર અને રસ્તાઓ ઉપર અવરોધો મૂક્યા હતા. રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું કે, લોકોને ભયભીત કરવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અમોએ આ કેસને સીબીઆઈને સોંપ્યો છે.