(એજન્સી) મુંબઈ, તા.રર
મુંબઈમાં બાન્દ્રા ખાતે આવેલ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની બિલ્ડિંગમાં મોટી આગ લાગી છે. ફાયરબ્રિગેડની ૧૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચારો નથી. કહેવાય છે કે, બિલ્ડીંગમાં ૧૦૦ લોકો ફસાયા છે. બિલ્ડીંગમાં આગ ત્રીજા અને ચોથા માળે લાગી છે. આ બિલ્ડીંગ ૯ માળની છે. સમગ્ર બિલ્ડીંગમાં ધૂમાડો છવાઈ ગયો છે. આ બિલ્ડીંગ ફાયર સ્ટેશનની પાછળ જ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યો છે. ફાયર અધિકારીઓ ક્રેઈનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. લગભગ ૬૦ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. નજરે જોનારાઓ જો કે, કહી રહ્યા છે કે આગ લાગતા પહેલાં વાયરો બળવાની વાસ આવતી હતી. ફાયર ફાઈટરો સાથે એક રોબોટ વેન, એમ્બ્યુલન્સ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મૂકાઈ છે. એક દિવસ પહેલાં જ કોલાબામાં તાજમહાલ પેલેસ હોટલની પાસે આવેલ એક ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.