(એજન્સી) પ.બંગાળ, તા.૨૩
કોલકાતાના સોદેપુર વિસ્તારમાં શંખનાદ સમરસતા મિશન દ્વારા ભગવદ્‌ ગીતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અન્ય ૨૮૬ પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખીને ૧૩ મુસ્લિમ વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયે સોમવારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ અનન્ય સ્પર્ધાનો ભાગ બનવા બદલ તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ સ્પર્ધામાં ૬૫ શાળાઓના કુલ ૪૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ વખતે પ્રથમ વાર એવું જોવા મળ્યું હતું કે જેમાં ઘણાં બધા મુસ્લિમ વિદ્યાર્થીઓેએ ગીતા રટણની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા મુખ્યત્વે બે શ્રેણીમાં યોજાઈ હતી. જેમાં પહેલી શ્રેણી ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરનારા જુનિયર સ્પર્ધીઓના ગ્રુપની હતી, જ્યારે બીજી શ્રેણી ધોરણ ૮થી ૧૨માં અભ્યાસ કરનારા સિનિયર સ્પર્ધીઓના ગ્રુપની હતી. જો કે, આ સ્પર્ધાને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ભારતવિદ્‌ નૃસિંઘા પ્રસાદ ભાદુરીએ જણાવ્યું કે, “ભગવદ્‌ ગીતાનું જ્ઞાન હોવું જોઈએ, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સ્પર્ધાના નામે જ્ઞાન હોવું એ મારા માટે સંશયાત્મક છે.” જ્યારે કલકત્તા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ સીતાનાથ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, “હું એવું નથી માનતો કે કોઈ ગીતાના નામે રાજકારણ રમતું હોય. હું આવા કાર્યક્રમોની પ્રશંસા કરૂં છું.”