(એજન્સી) કોલકાત્તા, તા.૧
કોલકાત્તા ખાતે સેંકડો મુસ્લિમો અને દલિત સંગઠનોએ ભેગા મળી બાબરી મસ્જિદ શહાદત અને બી.આર.આંબેડકરની મરણતિથિ અંગે પોતાના વિચારો પ્રગટ કરવા છઠ્ઠી ડિસેમ્બરનો દિવસ પસંદ કર્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વખત હિન્દુ-મુસ્લિમોએ ભેગા મળી આવો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. આ જમાવડાનો હેતુ મનુવાદ, બ્રાહ્મણવાદ અને ફાસીવાદનો વિરોધ કરવાનો છે. બંગાળમાં પછાત જાતિઓની વસ્તી ર૩ ટકા અને મુસ્લિમોની વસ્તી ર૭ ટકા જેટલી છે. સમાનતા, શાંતિ અને ભાઈચારા માટે કાર્યરત સંગઠનના પ્રમુખ સુકરિતી રંજન બિશ્વાસે જણાવ્યું હતું કે, અગાઉ આ બંને કાર્યક્રમો અલગ-અલગ યોજાતા હતા પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે, આ બંને દિવસો અંગે આગામી છઠ્ઠી ડિસેમ્બરે ભેગા મળી કાર્યક્રમ યોજાય. ત્રણ ડઝન જેટલા દલિત અને મુસ્લિમ સંગઠનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવશે. બિશ્વાસે જણાવ્યું હતું કે, નેતાઓ પોતાના મતો માટે હંમેશાથી દલિતો અને મુસ્લિમોને લડાવતા રહ્યા છે. અમે તેમની યોજનાને હવે નિષ્ફળ બનાવી દઈશું. બિશ્વાસ એક દલિત નેતા છે અને બાંગ્લાદેશથી વિસ્થાપિતો માટે કામ કરે છે. રાજ્યમાં ભાજપ વિરૂદ્ધ આ કાર્યક્રમ દલિત-મુસ્લિમ એકતા તરીકે ઉભરશે.
સંગઠનના મહાસચિવ મુહમ્મદ કમરુજ્જમને જણાવ્યું હતું કે, દલિત અને મુસ્લિમોની એકતા માટે ગત વર્ષથી કામગીરી શરૂ થઈ ગઈ છે. ફાસીવાદી તાકતોને નિષ્ફળ બનાવવા આ મુહિમ હાથ ધરવામાં આવી છે. આગામી છ ડિસેમ્બરે રેલી યોજી અમે આ એકતાને વધુ મજબૂત બનાવીશું.