નવી દિલ્હી,તા. ૨૧
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને એમ જ કોઇ ચાણક્ય તરીકે ગણતા નથી. આની પાછળ તેમની સતત મહેનત અને કોઇ પણ કિંમતે ચૂંટણી જીતવા માટેની ઇચ્છાશક્તિ છે. હવે એવા હેવાલ મળ્યા છે કે પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં ભાજપની શાનદાર જીત થાય તે હેતુસર અમિત શાહે તૈયારી હાથ ધરી છે.બન્ને રાજ્યોમાં ચૂંટણી જીત મેળવવાના ઇરાદા સાથે તેઓ હાલમાં તમિળ અને બંગાળી ભાષા શિખી રહ્યા છે. આનુ કારણ એ છે કે તેઓ પાર્ટીના સંદેશને સ્થાનિક ભાષામાં લઇ જવા માટે તૈયાર છે. લોકો સાથેના સંવાદમાં કોઇ કમી ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ અમિત શાહ હવે બંગાળી અને તમિળ ભાષામાં એટલા પાકા થઇ ગયા છે કે આ બન્ને ભાષામાં તેઓ સરળતાથી વાત કરી શકે છે. હવે આ બન્ને ભાષામાં મુખ્યપ્રવાહ વાત કરવાના અભ્યાસમાં અમિત શાહ લાગેલા છે. પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં પાર્ટીના જનાધારને વધારી દેવા માટે અમિત શાહ બંગાળી અને તમિળમાં સત્તાવાર રીતે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. અમિત શાહ હાલના દિવસોમાં આ બન્ને રાજ્યોમાં લોકો સાથે સીધી રીતે સંપર્ક કરવા માટે તમિળ અને બંગાળી ભાષા પર ધ્યાન આપી રહ્યા છે. બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યા છે. અમિત શાહ મોટા ભાગે ગુજરાતમાં રહ્યા હોવા છતાં ખુબ સારી રીતે હિન્દી ભાષા બોલી કાઢે છે. સુત્રોએ કહ્યુ છે કે જેલમાં રહેવાના ગાળા દરમિયાન અને કોર્ટ તરફથ ગુજરાતમાં બે વર્ષ માટે એન્ટ્‌ી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ અમિત શાહે હિન્દી ભાષા પર પક્કડ જમાવી હતી. હવે નવા પ્રયોગ કરી રહ્યા છે.