જામનગર, તા.૨૬
દ્વારકાના ગોમતીઘાટ પાસેથી પોલીસની નજરમાં આવી ગયેલા શખ્સની પૂછપરછ કરાતા દસેક વર્ષ પહેલા આ શખ્સે ભારતમાં ઘૂસણખોરી કર્યાની ચોંકાવનારી વિગત મળી છે.ગોમતીઘાટ પાસે ભિક્ષાવૃત્તિ કરતા તથા સાફસફાઈનું કામ કરતા એક શખ્સ પર પોલીસને શંકા પડતા તેને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ આરંભાતા મૂળ બાંગ્લાદેશના નરસીંગળી ગામના પુટીયા બજારમાં રહેતા અને થોડા વર્ષો પહેલા ભારતમાં પાસપોર્ટ કે કોઈપણ અન્ય આધાર વગર પશ્ચિમ બંગાળમાંથી ઘૂસી આવ્યો હોવાનું કબૂલી આ શખ્સે પોતાનું નામ મહંમદમુશર્રફ મહંમદહસન અલી (ઉ.વ.૨૨) હોવાનું જણાવતા પોલીસ ચોંકી હતી.
આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેણે અંદાજે દસેક વર્ષ પહેલા ભારતમાં ઘૂસણખોરી કર્યા પછી અલગ અલગ જગ્યાએ જઈ આખરે વસવાટ માટે દ્વારકા પસંદ કર્યું હતું જ્યાં આ શખ્સ શામળાજી મંદિરના પટાંગણ પાસે રહી સાફસફાઈ અને ભિક્ષાવૃત્તિ કરતો હોવાનું ઉમેર્યું હતું.