(એજન્સી) બાંગ્લાદેશ, તા.૧૭
બાંગ્લાદેશની સરકારે શનિવારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં ફૂટપાથ, ખેતરોમાં અને પવર્તો પર શિબિરોમાં આશ્રય મેળવી રહેલા હજારો રોહિંગ્યા મુસ્લિમો માટે ૧૪,૦૦૦ નવા આશ્રય સ્થળ બનાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર રોહિંગ્યા વિદ્રોહીઓના હુમલાના જવાબમાં મ્યાનમારની સેનાની કાર્યવાહી બાદ ત્યાંથી પલાયન કરનારા ચાર લાખ રોહિંગ્યા રપ ઓગસ્ટ બાદથી બાંગ્લાદેશ પહોંચી ચૂક્યા છે. બાંગ્લાદેશના અધિકારીઓએ કહ્યું કે, તે કોક્સ બજાર જિલ્લાના કુતુપલોંગમાં રોહિંગ્યાઓના તાજેતરના શરણાર્થી કેમ્પ પાસે જ ર,૦૦૦ એકર (૮૦૦ હેક્ટર) એક વિશાળ શિબિરનું નિર્માણ કરશે. કોક્સ બજાર જિલ્લો મ્યાનમારની સરહદ સાથે સંકળાયેલો છે.
બાંગ્લાદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ શાહ કમાલે કહ્યું કે, સરકારે લગભગ ૪૦,૦૦૦ રોહિંગ્યાઓ માટે ૧૪,૦૦૦ આશ્રય સ્થળનું નિર્માણ કરવાનું નિર્ણય કર્યું છે. તેમણે કહ્યું કે અમને ૧૦ દિવસમાં આ નિર્માણ કાર્ય પૂર્ણ કરવા કહેવાયું છે. દરેક આશ્રય સ્થળમાં છ શરણાર્થી પરિવાર રહેશે. કમાલે કહ્યું કે શિબિરમાં સફાઈ, પાણી તથા મેડિકલ સુવિધાઓ પણ અપાશે.
તેમણે કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓની મદદ લઈશું. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ કહ્યું કે, તે પલાયનના સ્તરથી હેરાન છે. સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને કહ્યું કે, તે મદદકાર્યમાં સમન્વય માટે સંયુક્ત રાષ્ટ્રની તમામ એજન્સીઓ અને ખાનગી સમૂહોનું એક સમૂહ બનાવશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મ્યાનમારના અશાંત પ્રાંત રખાઈનમાં થઈ રહેલી હિંસા વિશે ચિંતા વ્યક્ત કરી છે. હિંસાને કારણે હજારો રોહિંગ્યા મુસ્લિમો પલાયન કરી બાંગ્લાદેશ આવી પહોંચ્યા છે. પરિષદે સરકારને કહ્યું છે કે, તે સ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરે અને અહીં ફરીથી કાયદો વ્યવસ્થા લાગુ કરે. રપ ઓગસ્ટથી રોહિંગ્યા વિદ્રોહીઓ ઉગ્રવાદીઓ દ્વારા એક સૈન્ય ચોકી પર હુમલો કરાયાના જવાબમાં મ્યાનમારની સેનાએ આકરો જવાબ આપતા તેનો ભોગ રોહિંગ્યા મુસ્લિમો બન્યા છે અને ચાર લાખ જેટલા રોહિંગ્યા પલાયન કરી બાંગ્લાદેશ પહોંચી ગયા છે.