(એજન્સી) તા.૭
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં બે સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગત ત્રણ દિવસોથી બાંગ્લાદેશ બોર્ડર પર મ્યાનમાર તરફથી લેન્ડમાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. સૂત્રો કહે છે કે તેની પાછળ રોહિંગ્યા સમુદાયને પરત ફરતા અટકાવવાનો ઉદ્દેશ્ય હોઇ શકે છે. મ્યાનમારના રખાઇનમાં તાજેતરમાં હિંસામાં લગભગ ૪૦૦ લોકો માર્યા ગયા છે અને લગભગ ૧રપ૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો જીવ બચાવવા સ્થળાંતર કરી શરણાર્થી બની બાંગ્લાદેશ પહોંચી ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે તે સરહદી વાડ નજીક લગભગ તેમના વિસ્તારોમાં જ લેન્ડમાઇન પાથરવાનું કામ ઝડપી રીતે કરી રહ્યાં છે. સ્થિતિ વિશે માહિતી આપતા સૂત્રએ જણાવ્યું કે બાંગ્લાદેશ તરફથી બુધવારે સરહદ નજીક લેન્ડમાઇન પાથરવા વિરુદ્ધ દેખાવો કરાયા હતા. બંને સૂત્રોએ જણાવ્યું કે બાંગ્લાદેશને આ જાણકારી ફોટોગ્રાફિક પુરાવા અને ઇન્ફોર્મરની મદદથી મળી છે. એક સૂત્રએ કહ્યું કે અમારી સેનાએ વાડની નજીક ત્રણ ચાર ગ્રુપને કામ કરતા જોયા છે અને તેઓ જમીનમાં કંઈક મૂકી રહ્યા હતા. તેના બાદ અમે આ મામલે ગુપ્તચરોને સંપર્ક કર્યો તો પુષ્ટિ થઇ કે તેઓ લેન્ડમાઇન પાથરવાનું કામ કરી રહ્યાં છે. બાંગ્લાદેશની સરહદે ગાર્ડ ઓફિસર મંજરૂલ હસન ખાને કહ્યું કે મ્યાનમાર તરફથી મંગળવારે બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા જેના બાદ જાણ થઈ કે મ્યાનમારની સેના લેન્ડમાઇન પાથરી રહી છે. ખાને જણાવ્યું કે સરહદ ઓળંગતી વખતે આ વિસ્ફોટમાં સપડાવાથી એક છોકરાનો પગ ચગદાઇ ગયો હતો જેના બાદ તેને સારવાર માટે બાંગ્લાદેશ લવાયો હતો. જોકે મ્યાનમારના મંત્રીઓ તરફથી લેન્ડમાઇન પાથરવાનો રિપોર્ટ ફગાવી દેવામાં આવ્યો છે. રખાઇનની સરહદી બાબતોના મંત્રી ફોન ટિંટે કહ્યું કે અમે આવું કંઇ જ કર્યું નથી. મ્યાનમારના રાષ્ટ્રીય નેતા આંગ સાન સુ કીના પ્રવક્તાએ પણ કહ્યું કે આ તમામ રિપોર્ટની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલે આતંકીઓનો હાથ ન હોઇ શકે. સોમવારે ઘટનાસ્થળે ગયેલા એક રોહિંગ્યા શરણાર્થીએ જણાવ્યું કે જમીનમાં લગભગ ૧૦ સેમી વ્યાસ ધરાવતી ડિસ્ક લગાવાઇ હતી જે અડધી જમીનમાં ખોસેલી હતી. તેણે જણાવ્યું કે એવંુ લાગ્યું કે આવી અન્ય વધારે ડિસ્કો જમીનમાં દાટવામાં આવી હતી.