(એજન્સી) નવી દિલ્હી, તા.૯
વર્લ્ડ બેંકે ભારતના વિકાસ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતનો વિકાસ દર ૬ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા ૧૧ વર્ષમાં આ સૌથી ઓછો વિકાસ દર છે. વર્લ્ડ બેંકે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડતા આર્થિક મોરચાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને વધુ એક આંચકા લાગ્યો છે. વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્‌સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના ક્રેડિટમાં નબળાઇ આ ઘટાડાનું મુખ્ય કારણ છે. અગાઉ, ૨૦૦૮-૦૯ દરમિયાન વૈશ્વિક મંદીમાં વિકાસ દર ૩.૧ ટકા અંદાજવામાં આવ્યો હતો. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ બાંગ્લાદેશના જીડીપી વિકાસ દરે ભારતને પાછળ ધકેલી દીધું છે. બાંગ્લાદેશ ૭ ટકાના દરે વિકાસ કરી શકે છે. પાકિસ્તાનનું જીડીપી ત્રણ ટકાના દરે વધશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી વિકાસમાં થોડોક સુધારો થવાની આશા છે. અગાઉ, ભારત સરકારના કેન્દ્રીય આંકડાકીય કાર્યાલયે અનુમાન લગાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનું જીડીપી માત્ર પાંચ ટકાના દરે વધશે. અગાઉ, ૨૦૧૮-૧૯માં વાસ્તવિક વિકાસ દર ૬.૮ ટકા રહ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં જીડીપી ગ્રોથ ૭.૨ ટકા હતો. દરમિયાન, કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ અર્થતંત્રના મુદ્દા અંગે કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે ભાજપ સરકારે સૌથી વધુ અર્થતંત્ર પર ધ્યાન આપવું જોઇતું હતું પરંતુ હવે અર્થતંત્ર સુધારવાનો મામલો નેવે મૂકી દેવામાં આવ્યો છે. જીડીપી વૃદ્ધિના અનુમાન બતાવે છે કે પરિસ્થિતિ ઠીક નથી. તેની સૌથી વધુ અસર વેપાર, ગરીબો અને દાળિયા મજૂરો પર પડશે.