(એજન્સી) તા.૯
એક ક્ષેત્રીય માનવ અધિકાર માટે લડતા સંગઠને બાંગ્લાદેશ સામે સણસણતો આરોપ મૂકતા દાવો કર્યો છે કે બાંગ્લાદેશે સીક્રેટલી ગુપ્ત રીતે સેંકડો નાગરિકોને જેલમાં ગોંધી રાખ્યા છે તેમાં ઘણાં તો વિપક્ષના કાર્યકર્તાઓ છે. માનવાધિકાર સંગઠનના દાવા પ્રમાણે તેમાંથી મોટાભાગના લોકોની હત્યા કરી દેવામાં આવી છે. ન્યૂયોર્ક આધારિત માનવ અધિકાર સંગઠને તેના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે છેલ્લે ર૦૧૩ની સાલથી બાંગ્લાદેશમાં જુદા જુદા ગુપ્ત સ્થળોએ સેંકડો લોકોને જેલમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે માનવાધિકાર સંગઠને આ રિપોર્ટ ગુરુવારના રોજ જાહેર કર્યો હતો. ૮ર પાનાના આ રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ગત વર્ષે લગભગ ૯૦ લોકો ગુમ છે. આ રિપોર્ટને વી ડોન્ટ હેવ હિમઃ સિક્રેટ ડિટેન્શન એન્ફોર્સ્ડ ડિસએપિરિયન્સ ઇન બાંગ્લાદેશ શીર્ષક આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવા દસ્તાવેજો અપાયા છે જે સાબિત કરે છે કે અટકાયતમાં લેવાયેલા ર૧ લોકોની તો હત્યા કરી દેવાઇ છે. જો કે અન્ય નવ જેટલા લોકોનો કોઇ અતોપતો જ નથી. ચાલુ વર્ષના પહેલા પાંચ મહિનામાં જ લગભગ ૪૮ લોકો ગુમ થયાના સમાચાર છે. તેમની પણ હજુ કોઇ ભાળ મળી નથી. એચઆરડબ્લ્યૂના એશિયાના ડિરેક્ટર બ્રેડ એડમ્સે જણાવ્યું કે દક્ષિણ એશિયાના દેશમાં સેનાને ગમે તે વ્યક્તિની ધરપકડ કરવા માટે છુટ્ટો દોર આપી દેવામાં આવ્યો છે. સેના આ લોકોનો દોષ કે નિર્દોષ હોવાની પણ ભાળ નથી લેતી અને તેમને દંડ ફટકારી દે છે તેઓ જીવવાનો અધિકાર ધરાવે છે છતાં તેમને નિર્દોષ હોવા છતાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યાં છે. દસ્તાવેજો પણ છે આ લોકો ગુમ છે તેમ છતાં સરકારને તેની સામે કોઇ શરમ કે દુઃખ નથી. અગાઉ એક ૩૭ વર્ષીય સેજાદુલ ઇસ્લામ સુમોન ગુમ થઇ ગયા હતા. તે ઢાકા નેબરહુડના બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા છે તે આ પાર્ટી દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી છે. સુમોને તેમના ભાઇ સેજાદુલ ઇસ્લામની ધરપકડ કરવા અને અન્ય પાંચ સભ્યોને પકડી પાડવા બદલ રેપિડ એક્શન બટાલિયનના અધિકારીઓ પર આરોપ મૂક્યો હતો. તેણે કહ્યું કે લગભગ ર૦ જેટલા બાંધકામ મજૂરોને આરએબીના અધિકારીઓએ પકડી લીધા જે આજ સુધી ક્યારેય પાછા ફર્યા નથી. તે કહે છે કે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનાથી અમે દરેક દરવાજે જઇ ચૂક્યા, દરેક મંત્રીને મળ્યા. દરેક એજન્સી પાસે ગયા છતાં મારા ભાઇની કોઇ ભાળ મળી નથી. જોકે રર જેટલા ગુમ લોકોની માતાઓએ એક જૂથ બનાવી સરકાર પાસે જવાબ માગ્યો છે. દેશમાં રાજકીય તંગદિલી વધી રહી છે અને આગામી વર્ષે ચૂંટણી પણ આવી રહી છે.