(એજન્સી) ઢાકા, તા.૧૫
બાંગ્લાદેશમાં મહિલાઓના ખેતરોમાં કામ કરવા પર અંકુશ લાદતો ફતવો જાહેર કરવાના આરોપી એક મુસ્લિમ ધર્મગુરુની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ મામલે બુધવારે જાણકારી આપી હતી. આ મામલે ઈમામ અને મસ્જિદના પાંચ કર્મી આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમની જાહેરાત બાદ કુમારખલી કસ્બામાં સ્થાનિક લોકોએ ખેતરોમાં મહિલાઓને પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પોલીસ વડા અબ્દુલ ખાલિકે કહ્યું કે, જુમ્માની નમાઝ બાદ તેમણે નિર્ણય કર્યો કે, મહિલાઓને તેમના ઘરોમાંથી બહાર નીકળવા નહીં દેવાય. તેમણે આ સંદેશને ફેલાવવા માટે મસ્જિદના લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો. મુસ્લિમ બહુમતી ધરાવતું બાંગ્લાદેશ સત્તાવાર રીતે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે પરંતુ ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારોમાં મુસ્લિમ ધર્મગુરુ અત્યંત પ્રભાવશાળી પણ છે. વર્ષ ર૦૦૧માં ફતવા પર અંકુશ લાદવામાં આવ્યો હતો પરંતુ દેશની ટોચની અદાલતે ર૦૧૧માં વ્યવસ્થા આપી કે ખાનગી તથા ધાર્મિક બાબતો પર ફતવા જારી કરી શકાય છે બસ શરત એટલી કે શારીરિક સજાની જોગવાઈ ના હોય. નાગરિક અધિકાર સંગઠનોએ કોર્ટના આ નિર્ણયની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, બાંગ્લાદેશની ધર્મનિરપેક્ષ અદાલતોથી દૂર સ્થિત ગામમાં આવી સજાઓ આપવા માટે ફતવા જાહેર કરવામાં આવે જે દેશના કાયદા વિરૂદ્ધ છે. ગ્રામીણ બાંગ્લાદેશમાં મહિલાઓ કોઈ સમયે મોટાપાયે તેમના ઘરમાં જ સમય પસાર કરતી હતી પરંતુ શ્રમિકોના અભાવને કારણે હવે મહિલાઓ ખેતરોમાં પાકની વાવણી તથા લણણીની ઋતુમાં કામ કરવા લાગી છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા છ લોકો પર વિશેષ અધિકાર કાયદા હેઠળ કેસ ચલાવાશે. વિશેષ અધિકાર કાયદો સૈન્ય શાસન દરમિયાન બનાવાયેલો વિવાદિત કાયદો છે. બાંગ્લાદેશમાં એક આંકડા અનુસાર દેશમાં સંચાલિત ૪,પ૦૦ જેટલા ટેક્ષટાઈલ પ્લાન્ટમાં લગભગ ચાર મિલિયન જેટલા કમર્ચારીઓ રોજગારી મેળવે છે જેમાંથી ૮૦ ટકા મહિલાઓ કામ કરે છે. બાંગ્લાદેશના અર્થતંત્રમાં આ ક્ષેત્ર વધારે મહત્ત્વ ધરાવે છે.