બેંગ્લુરૂ, તા. ૮
આગામી સમયમાં ચૂંટણીનો સામનો કરનારા કર્ણાટકના બેંગ્લુરૂમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલીઓને પગલે ત્રણ કલાક સુધી પાટનગર બેંગ્લુરૂમાં ટ્રાફિક જામ રહ્યો હતો. સિદ્ધરમૈયા સરકાર પર નિશાનો સાધવા આવેલા અમિત શાહની રેલીમાં મોટાભાગની બેઠકો ખાલીખમ રહી હતી. કર્ણાટકમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની ધારણા સાથે ભાજપે ‘નવા કર્ણાટક નિર્માણ પરિવર્તન યાત્રા’ અંતર્ગત તુમાકુરૂની રેલી માટે ત્રણ લાખ લોકો આવવાનો અંદાજ બાંધ્યો હતો અને તેના માટે ટનબંધ ભોજનની વ્યવસ્થા પણ કરી રાખી હતી. આ ઉપરાંત એક લાખ કાર્યકરોની વ્યવસ્થા પણ કરી રાખી હતી જોકે, હજારોની સંખ્યામાં પણ લોકો ન જોડાતા સ્થાનિક ભાજપને અમિત શાહ સામે શરમમાં પડવું પડ્યું હતું. કાર્યકરો માટે બનાવેલા ટનબંધ ભોજનને આખરે કચરામાં ફેંકવાનો વારો આવ્યો હતો. જેના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. તુમાકુરુમાં પાર્ટીના કાર્યકરો દ્વારા ટુ વ્હીલરની યાત્રા દરમિયાન ટ્રાફિકને ઘણી અસુવિધા ઉભી થઇ હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગોથી બેંગ્લુરૂ ઇન્ટરનેશનલ એક્ઝીબિશન સેન્ટર ખાતે પહોંચી હતી.