(એજન્સી) બેંગલુરૂ, તા.૯
નાગરિકત્વ સુધારા અધિનિયમ (સીએએ) અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ) ખાતેની હિંસા સામે વિરોધની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. સીએએ અંગે ભાજપના નેતાઓની જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કર્ણાટકની બેંગલુરૂ જ્યોતિ નિવાસ ગર્લ્સ કોલેજમાં સીએએનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર ભાજપના નેતા એટલા ગુસ્સે ભરાયા કે તેમણે તેમને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સીએએને ટેકો આપવા કહ્યું અને ન આપે તો તેમને જેએનયુની જેમ મારવામાં આવશે એવી ધમકી આપી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાઓ કથિત રીતે વિદ્યાર્થીઓને ડરાવતા જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સહી ન કરનારા વિદ્યાર્થીઓની વિરુદ્ધ ’પાકિસ્તાન જાઓ’ ના સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ સાથે નેતાઓ વિદ્યાર્થીઓને જણાવી રહ્યા છે કે, જો તેઓ સહી નહિ કરે તો તેમની હાલત પણ જેએનયુ અને જામિયા મિલ્લિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેવી થશે. “એક વિદ્યાર્થીએ આખી ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. વિદ્યાર્થીએ કહ્યું કેમ ‘ભાજપના કેટલાક નેતાઓએ અમારી કોલેજની બહાર કેટલાક પોસ્ટરો લગાવ્યા હતા અને અમને તેમાં બળજબરીથી સહી કરવા કહેવામાં આવ્યું હતું.’ કેટલાક વીડિયોમાં, સીએએના સમર્થનમાં ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા જોઇ શકાય છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓએ કહ્યું હતું કે અમે ભારતીય નાગરિક નથી કારણ કે આપણે ફક્ત પોતાના વિશે જ વિચારી રહ્યા છે અને સીએએ વિશે નહીં.’’ પોલીસ પહોંચતાં મામલો થાળે પડ્યો હતો. ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક પોલીસની મદદથી મામલો સ્થળ પર જ ઉકેલી લેવામાં આવ્યો હતો.’
નોંધનીય છે કે સીએએ વિશેની માહિતીને સ્પષ્ટ કરવા માટે બીજેપી એક જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનના ભાગ રૂપે, લોકો સીએએને ટેકો આપનારા પોસ્ટરોમાં સહી કરી રહ્યાં છે. પક્ષના અધિકારીઓ, કાર્યકરો, સાંસદો, ધારાસભ્યો આ અભિયાન ચલાવી રહ્યા છે.