(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના અડાજણ આનંદ મહલ રોડ ઉપર આવેલી બેંક ઓફ ઇન્ડિયાના ડેબીટ કાર્ડનો દુર ઉપયોગ કરી ખોટો સીવીવી૨ નંબર નાંખી બે ખાતાઓમાંથી રૂ.૨૦.૨૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી બેંક સાથે વિશ્વાસઘાત કરી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાના રેસીડેન્સીયલ ક્વાટર્સમાં રાજીવ સુરેશ બિહારીલાલ રહે છે. તેઓ અડાજણ આનંદ મહલ રોડ ખાતેની બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે. એ.કે. રોડ રાધાક્રિષ્ણા સોસાયટીના ગ્રાઉન્ડ ફ્‌લોર ખાતે રહેતાં પરેશભાઈ ઘનશ્યામભાઈ ગોધાણીનું આ બેંકમાં કરંટ અને સેવિંગ્સ ખાતુ ચાલે છે. આ બેંકના ડેટાનું અપગ્રેડેશન ચાલુ હતું. તે વખતે આરોપી પરેશ ગોધાણીના ખાતામાં બેલેન્સ ન હોવા છતાં અને બેંક તરફથી આપવામાં આવેલ ડેબીટ કાર્ડનો દુરૂ ઉપયોગ કરી ખોટો સીવીવી૨ નાંખી બંને ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રૂ.૨૦.૨૬ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ ગત તા.૨૮મી ઓક્ટોબરથી ૨૬મી જૂન ૨૦૧૮ સુધીમાં આરોપીએ ૯૨ વખત રકમ ટ્રાન્સફર કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અડાજણ પોલીસે બેંક કર્મચારીની અરજીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.